ગોપાલ નમકીન આગ : દર કલાકે 1 કરોડનું નુકશાન
બુધવાર બપોરના લાગેલી આગ ગુરુવાર સાંજના કાબૂમાં આવી : પાંચ માળનું આખું યુનિટ ખાક થતાં 30 કરોડથી પણ વધુનું નુકશાન થયું : 15થી વધુ ફાયર ફાઈટરની મદદથી આગ બુઝાવી : સળગી ચૂકેલા યુનિટમાં દરરોજનું સાડાત્રણ લાખ કિલો ફરસાણનું પ્રોડકશન થતું હતું :
રાજકોટના 500થી વધુ કર્મચારીઓને મોડાસા અને નાગપુરના યુનિટમાં મોકલી પ્રોડકશન વધારાશે : બિપિનભાઈ હદવાણી
રાજકોટના મેટોડા GIDCમાં આવેલી પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં બુધવાર બપોરના આગ ભભૂકી ઊઠતાં નાસભાગ મચી જવા પામી હતી.પેકિંગ મશીનમાં થયેલા શોટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાંચ માળનું આખું યુનિટ આગની ઝપેટમાં આવઇ ગયું હતું.અને કર્મચારીઓ જીવ બચાવી ભાગ્ય હતા. આગ લાગતાંની સાથે જ થોડીવારમાં મેજર કોલ જાહેર કરી રાજકોટથી 5 તેમજ મેટોડા, ગોંડલ અને શાપરથી 2-2, જામનગર, ધોરાજી, ઉપલેટાથી 1-1 એમ 15 જેટલાં ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી અને લગભગ 2 લાખ લિટરથી પણ વધુ પાણીનો મારો ચલાવી 24 કલાકથી પણ વધુ સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.જ્યારે આ આગમાં અંદાજે 30 કરોડથી પણ વધુનું નુકશાન થયું હોવાનું માલિકે જણાવ્યું હતું.
વિગત મુજબ રાજકોટની મેટોડા GIDCમાં આવેલા ગોપાલ નમકીનના યુનિટમાં બુધવારે બપોરના સમયે લાગેલી આગ પર 24 કલાકથી પણ વધુ સમય બાદ કાબૂ મેળવાયો હતો. સદનસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. જોકે ભીષણ આગના કારણે ફેક્ટરીમાં પડેલો માલસામાન, મશીનરી બળી જતાં અંદાજે 30 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.મેટોડા યુનિટમાં આગના કારણે મોટી નુકસાની થઈ હોવાથી આ યુનિટ ફરી શરૂ થતાં 8થી પણ વધુ માસનો સમય લાગે એવી શક્યતા છે. આગમાં સળગી ચૂકેલા યુનિટમાં દરરોજનું સાડાત્રણ લાખ કિલો ફરસાણનું પ્રોડકશન થતું હતું એ ઠપ થઈ ગયું છે.
ગોપાલ નમકીનના યુનિટમાં લાગેલી આગ બાબતે ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં કંપનીના એમડી બિપિનભાઈ હદવાણીએ જણાવ્યું હતું કે બુધવારે બપોરના સમયે મેટોડા સ્થિત યુનિટમાં પેકિંગ ડિપાર્ટમેન્ટ છે, જેમાં બોક્સ પેકિંગની કામગીરી ચાલુ હતી અને અહીં બુધવારે આગ લાગી એ સમયે લગભગ 50-60 બહેન કામ કરી રહ્યાં હતાં. પેકિંગ ડિપાર્ટમેન્ટમાં મશીનમાં શોટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માલૂમ પડ્યું છે અને આ આગ લાગવાના કારણે 30 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાનું લાગી રહ્યું છે.પરંતુ યુનિટમાં સંદર તપાસ કર્યા બાદ જ ચોક્કસ નુકશાની માલૂમ પડશે.આ યુનિટમાં દરરોજ સાડાત્રણ લાખ કિલો ફરસાણનું પ્રોડકશન અને પેકિંગ થતું હતું. જેથી હાલ અહી થતું પ્રોડકશન હવે નાગપુર અને મોડાસામાં સ્થિત ફેક્ટરીઓમાં કરવામાં આવવાનું છે.અને અહી 500થી વધુ કર્મચારીઓ કામ કરતાં હતા.તેઓને પણ આ બંને ફેક્ટરીઓમાં કામ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગોપાલ નમકીનમાં આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડમાં કોલ આવતાં કાલાવડ રોડથી પ્રથમ એક ફાયર ફાઈટર સ્ટાફ સાથે દોડી ગયો હતો, પરંતુ ત્યાં જઈને જોતાં આગ વધુ વિકરાળ હોવાથી તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવતાં રાજકોટ, જામનગર, ગોંડલ, ઉપલેટા, શાપર, મેટોડા, ધોરાજીનાં 15 જેટલાં ફાયર ફાઈટર દોડાવાયાં હતાં.
આગના કારણે ગોપાલ સ્નેક્સના શેરના ભાવો તૂટયા
આગની દુર્ઘટનાને પગલે ગોપાલ સ્નેક્સનો શેર 8 ટકા જેટલો તૂટી ગયો હતો. 12 ડિસેમ્બરના બપોરના 12.10 વાગ્યે શેરનો ભાવ 6.86 ટકા તથા 31 રૂપિયા તૂટીને 420એ પહોંચ્યો હતો.જ્યારે હાલ કંપનીએ આ દુર્ઘટના પર કાબૂ મેળવવા માટે જરૂરી પગલાં લીધાં છે.અને રાજકોટ યુનિટની હાલની સ્થિતિને પગલે મોડાસા અને નાગપુરમાં પ્રોડક્શન વધારવામાં આવશે.કંપનીની સંપત્તિનો વીમો કરવામાં આવ્યો છે તેમજ ઇન્શ્યોરન્સ કંપનીને પણ આ દુર્ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.