‘તે દિવાળીના આગલા દિવસે અમારી કારને ઓવરટેક કેમ કર્યું તું’ કહી કોન્ટ્રાક્ટર પર બે શખસોનો હુમલો
રાજકોટમાં જૂન ઝગડાનો ખાર રાખી કાલાવડ રોડ પર કોન્ટ્રાક્ટરને બે શખ્સે મારમારી ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.વિગત મુજબ કાલાવડ રોડ કે.કે.વી. હોલ પાસે શાંતીનીકેતન એપાર્ટમેન્ટ ૧૦૧માં રહેતા બ્રિજેશભાઈ રમેશભાઈ કમાણી(ઉ.વ.૩૩) એ તાલુકા પોલીસ મથકમાં પ્રતિપાલસિંહ ગોહિલ અને મિતાંશુ આહિર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બ્રિજેશભાઈએ જણાવ્યું છે કે પોતે મકાનના બાંધકામનું કામ કરે છે. ગત તા.૪ના રોજ પોતે પરિવારના સભ્યો માટે સેન્ડવીચ લેવા કાલાવડ રોડ પર દિપક સેન્ડવીચ દુકાને ગયા હતા અને પોતે સેન્ડવીચનો ઓર્ડર આપી બાદ પોતે બાજુમાં લુઈસ ફીલીપ્સ શોરૂમના ખુણા પાસે પાર્ક કરેલી કારમાં બેઠા હતા. ત્યાં બે અજાણ્યા શખ્સો આવી પોતાની કારનો દરવાજો ખોલી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોતે તેને ‘તમે કોણ છો. શું કયા કારણોસર મને મારો છો?’ કહેતા તેણે કહેલ કે ‘તે દિવાળીના આગલા દિવસે અમારી સાથે કાર ઓવરટેક કરવા બાબતે કેમ માથાકુટ કરી હતી. તેમ કરી પોતાને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવો છે. તું નિરાંતે ગોતી લેજે કે અમે કોણ છીએ ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.આ બંનેના નામ જાણવા મળતા પોતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ.જી.કે.પરમારે તપાસ હાથ ધરી છે.