એક અબજ ડોલરનું રોકાણ કરો પર્યાવરણની ચિંતા છોડો : ટ્રમ્પ
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એક બિલિયન ડોલરનું રોકાણ ધરાવતા કોઈપણ પ્રોજેક્ટને ઝડપી અને સંપૂર્ણ મંજૂરી આપવાનો વાયદો કર્યો હતો. આવા પ્રોજેક્ટને પર્યાવરણ કાયદાનું ગ્રહણ પણ નહીં નડે તેવી તેમણે ઘોષણા કરી હતી.
પોતાન ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે આ જાહેરાત કરી હતી. જાણકારોના મતે એનર્જી પ્રોજેક્ટસ, નેચરલ ગેસ પાઇપલાઇન, વિન્ડ ટર્બાઇન,
એક્સપોર્ટ ટર્મિનલ, સોલાર ફાર્મ વગેરે જેવા પ્રોજેક્ટસની કિંમત એક અબજ ડોલર થાય છે.
નોંધનીય છે કે યુએસ નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી એક્ટ અંતર્ગત પાઇપલાઇન, હાઇવે નિર્માણ અને
ઉર્જા સંબંધિત પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો
ચકાસવામાં આવ્યા બાદ લીલી ઝંડી મળે તો જ મંજૂરી આપવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને કારણે હવે પર્યાવરણીય કારણોસર અટવાયેલા અનેક પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. ટેસ્લાના માલિક એલોન મસ્કે આ નિર્ણયને વધાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે મસ્ક ઉપર પર્યાવરણીય માપદંડોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો થતા રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણય પાછળ પણ એલોન મસ્કનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ પર્યાવરણવાદી સંગઠનોએ ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. એવરગ્રીન એક્શન નામના સંગઠને ટ્રમ્પના આ નિર્ણયને કારણે પર્યાવરણને હાની પહોંચવાનો અને પ્રદૂષણ વધવાનો ખતરો હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પ અમેરિકાને મોટા ઉદ્યોગગૃહોને વેચી દેવાની તૈયારી કરતા હોવાનો એ સંસ્થાએ આક્ષેપ કર્યો હતો.