WTC ફાઇનલમાં કોણ પહોંચશે ? રોજ બદલાય છે સમિકરણ
ભારત ત્રીજા સ્થાને ફેંકાયુ : પાકિસ્તાનની ટીમ કરી શકે છે ટીમ ઇન્ડીયાને મદદ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની ફાઈનલમાં કઈ ટીમ પહોંચશે તેને લઈને સમીકરણો હવે જટિલ બનતા જાય છે. ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ અને હવે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં હાર્યા બાદ ભારતીય ટીમનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. નવા સમીકરણ મુજબ હવે ભારતીય ટીમે પાકિસ્તાનની જીત પર નિર્ભર રહેવું પડી શકે છે. હકીકતમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી હતી. સીરિઝની બીજી મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક, ગકેબરહા ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાનો 109 રને વિજય થયો હતો.
શ્રીલંકા સામે મળેલી જીત બાદ દક્ષિણ આફ્રિકાને WTCના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. આફ્રિકાની ટીમ હવે નંબર વન પર પહોંચી ગઈ છે. 10 ટેસ્ટ મેચમાં 6 જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના કુલ 76 પોઈન્ટ છે. ટીમની સ્કોરિંગ ટકાવારી 63.33 થઇ ગઈ છે. જે ઓસ્ટ્રેલિયા કરતા વધુ છે.
તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ હવે બીજા સ્થાને સરકી ગઈ છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના 14 મેચમાં 9 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે 102 પોઈન્ટ છે. તેની ટકાવારી 60.71 છે. હાલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમ પાસે 16 મેચમાં 9 જીત, 6 હાર અને એક ડ્રો મેચ સાથે 110 પોઈન્ટ છે. ભારતની ટકાવારી 57.29 છે. ભારતે વર્તમાન ચક્રમાં વધુ 3 મેચ રમવાની છે. જે માત્ર ઓસ્ટ્રેલિયા સામે છે.
ઓસ્ટ્રેલિયન ટીમે જાન્યુઆરીમાં 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. જ્યારે ભારતીય ટીમને WTC 2023-25 સીઝનની છેલ્લી મેચો આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમવાની છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાન સામે ઘરઆંગણે 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. પાકિસ્તાની ટીમે શાન મસૂદની કેપ્ટનશીપમાં 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન ખાતે પહેલી મેચ અને 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં બીજી ટેસ્ટ રમવાની છે.
જો ભારતીય ટીમ તેની બાકીની ત્રણ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે ફાઇનલમાં પહોંચી શકે છે. આ સમીકરણમાં જો દક્ષિણ આફ્રિકા પાકિસ્તાનને બંને ટેસ્ટમાં હરાવી દે છે તો તે ટોચના સ્થના પર રહીને WTC ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ત્રણેય મેચ જીત્યા બાદ ભારતીય ટીમ બીજા સ્થાને રહીને ફાઈનલ રમશે.
પરંતુ જો ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બંને ટેસ્ટ મેચો જીતી લે છે તો, ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામેની તેની બાકીની 3 મેચમાંથી 2 જીતીને WTCની ફાઇનલમાં પહોંચી શકે છે. અને એક મેચ હાર્યા પછી પણ બીજા સ્થાને રહી શકે છે. પરંતુ આ સમીકરણ ત્યારે જ બનશે જ્યારે પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બંને મેચમાં જીત મેળવે અથવા તો મેચ ડ્રો થાય.