ભારતીય નાગરિક ન હોવા છતાં ચાર ચાર વખત ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા
તેલંગાણા ના પૂર્વ ધારાસભ્ય ની નાગરિકતા રદ કરતી હાઇકોર્ટ
તેલંગાણા હાઈકોર્ટે સોમવારે બીઆરએસના ભૂતપૂર્વ ધારાસભ્ય ચેન્નામનેની રમેશને જર્મન નાગરિક જાહેર કરીને તેમની ભારતીય નાગરિકતા છીનવી લીધી હતી. કોર્ટે તેમને જર્મન નાગરિકતા છુપાવવા અને ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરવા બદલ 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ભૂતપૂર્વ ધારાસભ્યએ ભારતીય નાગરિકતા ગુમાવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
ભારતમાં જન્મેલા રમેશ જર્મનીમાં સ્થાયી થયા હતા અને ત્યાં તેમણે કામ કર્યું હતું, લગ્ન કર્યા હતા અને કુટુંબના ઉછેર કર્યો હતો. 1990 માં તેમણે જર્મનીની નાગરિકતા પ્રાપ્ત કરી હતી. દરમિયાન તેઓ ભારત ફર્યા હતા અને 2008માં ભારતની નાગરિકતા મેળવી હતી. 2009 માં તેઓ તેલુગુ દશમ પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2010માં પક્ષ પલટો કરી બીઆરએસમાં જોડાતા તેમણે રાજીનામું આપ્યું હતું અને 2010 ની પેટા ચૂંટણીમાં ફરી એક વખત વિજય થયા હતા. બીઆરએસના ઉમેદવાર તરીકે જ તેઓ 2014 અને 2018 ની ચૂંટણીમાં પણ વિજેતા થયા હતા.
આ ત્રણ ચૂંટણીમાં તેમની સામે પરાજય પામનાર કોંગ્રેસના ઉમેદવાર શ્રીનિવાસને રમેશ ભારતના નાગરિક ન હોવાની ફરિયાદ કર્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા તપાસ હાથ ધરી હતી અને તેમાં તેઓ જર્મન નાગરિકત્વ ધરાવતા હોવાનું ખુલતા તેમની ભારતની નાગરિકતા રદ કરવામાં આવી હતી. તેની સામે રમેશે તેલંગણા હાઇકોર્ટમાં દાદ માગી હતી. એ કેસમાં ચુકાદો આપતા જસ્ટિસ બી વિજય સેન રેડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણયને માન્ય રાખ્યો હતો. અદાલતે તેમને જર્મન નાગરિક જાહેર કર્યા હતા અને તેમના ગેરકાયદે પગલાં એ સાચા ભારતીય નાગરિકોને ચૂંટણી લડવાના અધિકારથી વંચિત રાખ્યા હોવાની ટિપ્પણી કરી હતી.