રાજકોટમા ઠંડીનો ચમકારો : લઘુતમ તપામનનો પારો 4 ડીગ્રી ગગડી 11.8 ડીગ્રી, 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો
ડીસેમ્બરનું એક અઠવાડિયુ વીતી ગયું હોવા છતાં હજુ શિયાળાએ પોતાની અસર જોઈ એવી નથી બતાવી પરંતુ સોમવારથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહીના પગલે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આજે રાજ્યના અનેક શહેરોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું તો રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લઘુતમ તપામનનો પારો 4 ડીગ્રી ગગડી 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું તેમજ 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.
રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. માત્ર બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નલિયામાં 10.8, રાજકોટમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 13.2, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું તો માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રીએ પારો પહોંચ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતા પાંચ દિવસ સુધી ક્રમશ: ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે અને લઘુતમ તાપમાન સતત નીચું ઉતરશે. આથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજથી નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યુ છે, જેનાં કારણે ઉતર ભારતનાં રાજયોમાં હવામાન પલ્ટા સાથે માવઠાની શકયતા છે. જોકે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ હવામાન પલ્ટાની અસર નહિવત રહેશે. પરંતુ, ઠંડીનું પ્રમાણ વધવા પામશે. ખાસ કરીને નલિયા, ડિસા, ગિરનાર પર્વત, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર શહેરમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રી વચ્ચે નોંધાશે. સંભવત: નલિયામાં સિગલ ડિઝીટમાં પણ તાપમાન પહોંચી શકે છે.
