પૂર્વ IPS સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર
રાજકોટની જેલમાં આજીવન સજા ભોગવી રહેલા
1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં અદાલત દ્વારા શંકાનો લાભ અપાયો, પુરાવાના અભાવને કારણે મળી રાહત
પોરબંદર અદાલતે વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને તમામ આરોપોથી મુક્તિ આપી છે. ફરિયાદમાં પૂર્વ પોલીસ અધિકારી પર આરોપ મૂકાયો હતો કે તેમણે નારણ જાદવ પોસ્તરીયા અને તેમના પરિવાર સાથે પોલીસ કસ્ટડીમાં શારીરિક હિંસા અને ત્રાસ ગુજાર્યો હતો. આ કિસ્સો 5 જુલાઈ, 1997નો છે, જ્યારે પોરબંદર પોલીસે નારણ જાદવ પોસ્તરિયાને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પોરબંદર ટ્રાન્સફર કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં નારણ જાદવ પોસ્તરિયા અને તેમના પરિવારના સભ્યોને ઈલેક્ટ્રીક શોક આપ્યાના આરોપો દાખલ થયા હતા.1998માં આ મામલો કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો અને વર્ષો સુધી કાનૂની કાર્યવાહીમાં અટવાયો હતો.
પોરબંદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ જજ મુકેશ પંડ્યાએ સંજીવ ભટ્ટને આરોપમુક્ત જાહેર કરતા જણાવ્યું કે, “ફરિયાદ પક્ષ કોઈપણ દોષ સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ મામલામાં માત્ર શંકાના આધારે દોષી ઠરાવવું અયોગ્ય છે.”
5 જુલાઈ, 1997ના રોજ નારણ જાદવને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પોરબંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નારણ જાદવ પોસ્તરીયાએ ફરિયાદ કરી હતી કે, તેમની કબૂલાત મેળવવા માટે પોરબંદર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે અને તેમના પરિવાર સાથે શારીરિક હિંસા કરવામાં આવી હતી. આ કેસ 1998માં નોંધાયો હતો અને વર્ષ 2013માં સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ વિરુદ્ધ વધુ તપાસના આદેશ આપ્યા હતા. હાલમાં સંજીવ ભટ્ટ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે, જ્યાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. વર્ષ 2011માં, ભટ્ટને રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર રહેવા અને વહીવટી નીતિઓના ઉલ્લંઘન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2015માં, કેન્દ્ર સરકારે તેમને કાયમી રીતે ફરજમુક્ત જાહેર કર્યા હતા.