બીબીસીની પ્રેરણાદાયી મહિલાઓ 2024ની યાદીમાં ભારતીય સ્ત્રીઓ : જાણો તેમનું યોગદાન અને સિદ્ધિઓ વિશે
અરુણા રોય, પૂજા શર્મા અને અન્ય ભારતીયો
બીબીસીએ તાજેતરમાં 2024 ની 100 પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓની તેની પ્રતિષ્ઠિત સૂચિ બહાર પાડી. તે યાદીમાં તેવી વ્યક્તિઓના નામ શામેલ કર્યા જેઓ ટેક્નોલોજી, રમતગમત, સેવાકીય પ્રવૃતિઓ અને અન્ય ક્ષેત્રોમાં ખુબ સારું કામ કરી રહ્યા છે અને ટોચ ઉપર છે. ભવિષ્યના વિશ્વને આકાર આપવામાં આ લોકોનો ફાળો થોડો મોટો છે. આ સન્માનીત સ્ત્રીઓમાં ભારતીય મૂળની પાંચ મહિલાઓનો સમાવેશ થયો છે. જેમાંથી દરેક સ્ત્રીનું અસાધારણ યોગદાન રહ્યું છે. આ સ્ત્રીઓનું યોગદાન અને સિદ્ધિઓ અનન્ય છે:
1. પૂજા શર્મા: મૃત્યુનો મલાજો જલાવ્નારી મહિલા
દિલ્હીની 28 વર્ષીય પૂજા શર્માએ પોતાનું જીવન એક અનોખા અને નિઃસ્વાર્થ હેતુ માટે સમર્પિત કર્યું છે. લાવારીસ સ્થિતિમાં જે મૃતદેહો મળે છે તેમની સન્માન સાથેઅંતિમવિધિ કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે દિલ્હીમાં 4,000 થી વધુ લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. પોતાની જિંદગીમાં એવી અંગત દુર્ઘટના થઇ હતી જેનાથી પ્રેરાઈને તેમણે આ મિશન હાથમાં લીધું.
12 માર્ચ, 2022 ના રોજ, પૂજાનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું જ્યારે તેના મોટા ભાઈની એક નાના ઝઘડા બાદ હત્યા કરવામાં આવી. બીજા કોઈ પણ ત્યારે આ સમયે સહકાર આપવા ન આવ્યા. માટે પૂજાએ માથે ફાળિયું બાંધ્યું અને પોતે અંતિમ સંસ્કાર કર્યા. તે મરણ પ્રસંગે તેને ઘણો પદાર્થપાઠ શીખવ્યો. તેમને થયું કે પરિવાર વિનાના ઘણા લોકો હોય છે. રોજેરોજ લાવારીસ મૃતદેહો આવતા હોય છે. એવા સમયે મૃત્યુનો મલાજો જળવાઈ એ રીતે આ બધા લોકોને અગ્નિદાહ આપ્યો. પોતાની જિંદગીમાં થયેલા એક ખરાબ અનુભવે તે મહિલાને આ સેવાકાર્ય માટે તૈયાર કરી. આ ઊંડા અંગત અનુભવે તેમને તેમની અંતિમ ક્ષણોમાં ત્યજી દેવાયેલા લોકોને સન્માનપૂર્વક વિદાય આપવાના સેવા-કામમાં એકલે હાથે આગેવાની લેવાની પ્રેરણા આપી.
અંતિમવિધિનું કામ સામાન્ય રીતે પુરુષો કરતા હોય છે. પરંપરાગત રીતે પુરુષો માટે આરક્ષિત એવું કામ કરવાને કારણે તેના સમાજે તેમને ઘણું સંભળાવ્યું અને ઘણી ટીકાઓ પણ થઇ. પણ પૂજા બેન રોકાયા નહિ. પૂજાએ કામ ચાલુ રાખ્યું. તેનું એનજીઓ, બ્રાઇટ ધ સોલ ફાઉન્ડેશન દ્વારા, તે માત્ર તમામ ધર્મોના લોકો માટે અંતિમ સંસ્કાર સેવાઓ જ નહીં પરંતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન માટે પણ કામ કરે છે. તેમની સંસ્થા ઘણા બધા કામ કરે છે જેમ કે, કુદરતનું જતન, વૃદ્ધોની સંભાળ, ત્યજી દેવાયેલા બાળકોને આશરો આપવો, શિક્ષણક્ષેત્રે યોગદાન વગેરે. જરૂરીયાતમંદોને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ પણ તેઓ કરી રહ્યા છે.
પૂજાના સેવાકાર્યને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા મળી છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના સાડા ત્રણ લાખ ફોલોઅર્સ છે. તે પોતાના કામની અમુક ઝલક ત્યાં શેર કરતા હોય છે. તે જોઇને બીજા ઘણા લોકોને તેના સેવાકાર્યમાં યોગદાન આપવાની પ્રેરણા મળતી હોય છે.
2. અરુણા રોય: પારદર્શિતા અને સામાજિક ન્યાયની યોદ્ધા
અરુણા રોય એક વિખ્યાત સામાજિક કાર્યકર છે. તેઓ ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારો માટે હિમાયત કરવાના તેમના અથાક પ્રયાસો માટે જાણીતા છે. ભૂતપૂર્વ IAS અધિકારી એવા અરુણા રોયે પોતાનું સરકારી પદ છોડીને છેવાડાના સમુદાયો માટે દિવસ-રાત એક કરીને ખુબ કામ કર્યું. 1990 માં, તેમણે રાજસ્થાનમાં મજદૂર કિસાન શક્તિ સંગઠન (MKSS) ની સહ-સ્થાપના કરી. તે સંગઠને ઘણી સિદ્ધિઓ હાંસિલ કરી જેમ કે, વાજબી વેતન માટે હિમાયત કરી, સરકાર પાસેથી હિસાબો માંગ્યા,માહિતી અધિકાર (RTI) ચળવળનું નેતૃત્વ લીધું અને સરકાર પાસેથી પારદર્શિતા જ મળે તેની ખાતરી કરી.
તેમના પ્રયાસો આરટીઆઈ એક્ટના અમલમાં પરિણમ્યા. આરટીઆઈ એટલે એક પરિવર્તનકારી કાયદો જે નાગરિકોને જાહેર અધિકારીઓ પાસેથી પારદર્શિતાની માંગ કરવા સક્ષમ બનાવે છે. વધુમાં, અરુણા રોયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) સહિત અન્ય સીમાચિહ્નરૂપ કાયદાઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે ગ્રામીણ પરિવારોને રોજગાર અપાવે છે.
અરુણા રોયના દાયકાઓ-લાંબા યોગદાનને કારણે તેમને ઘણા માન-અકરામો મળ્યા જેવા કે, રેમન મેગ્સેસે એવોર્ડ ફોર કોમ્યુનિટી લીડરશીપ (2000), ટાઈમ મેગેઝિનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકો (2011), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર (2010). નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન (NFIW) ના પ્રમુખ તરીકે, અરુણા રોય સામાજિક ન્યાય અને સમાનતાની હિમાયત કરવાનું કામ કરે છે.
3. વિનેશ ફોગાટ: કુસ્તીબાજ નેતા
ભારતના સૌથી પ્રખ્યાત કુસ્તીબાજોમાંના એક વિનેશ ફોગાટે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. જો કે ૧૦૦ ગ્રામ વજનની સમસ્યાને લીધે તે ડીસક્વોલીફાય થઇ. તો પણ તેમણે ઘણી અસાધારણ સિદ્ધિઓ હાંસિલ કરી છે.
આ વર્ષની શરૂઆતમાં વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી હતી અને રાજકારણમાં જોડાઈ હતી. તે રમતગમતમાં જાતિગત ભેદભાવો સામે પણ અવાજ ઉઠાવતી રહી છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા સામેના હાઈ-પ્રોફાઇલ ઇસ્યુમાં મહિલા રમતવીરોની જાતીય સતામણીના આરોપમાં તેમણે નેતૃત્વ લીધું જે તેમની નેતૃત્વ શક્તિ, ન્યાયની માંગ કરવા માટે તેની દ્રઢ નિશ્ચય શક્તિ દર્શાવે છે.
4. સુનિતા વિલિયમ્સ
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસ રીસર્ચમાં અગ્રણી વ્યક્તિઓમાંની એક છે. આખું ભારત તેમને ઓળખે છે. તેઓ એક નિવૃત્ત નેવી હેલિકોપ્ટર પાઇલટ છે. કોઈ મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ તેમના નામે બોલે છે. તેઓ 2007 માં સ્પેસ મેરેથોન પણ દોડી હતી.
આ વર્ષે સુનિતાએ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર ગઈ અતિ. આમ તો માત્ર આઠ દિવસનું મિશન હતું. પણ ટેકનીકલ લોચાને કારણે તેનું રોકાણ લંબાઈ ગયું. અજુ પણ સુનીતા વિલિયમ્સ અવકાશમાં જ છે. તે હવે ફેબ્રુઆરી 2025 માં પૃથ્વી પર પાછા આવશે તેવી અપેક્ષા છે.
5. સ્નેહા રેવાનુર: આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સની નિષ્ણાત
માત્ર 20 વર્ષની ઉંમરે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થી સ્નેહા રેવાનુર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. તે એનકોડ જસ્ટિસની સ્થાપક છે અને તે એથીકલ AI પ્રેક્ટિસની હિમાયત કરે છે. 30 દેશોમાં 1,300 થી વધુ સભ્યોના સહકારની સાથે સ્નેહા ટેક્નોલોજીના ભવિષ્યને આકાર આપી રહી છે.
તેના પ્રયત્નોથી તેણે ટાઇમ મેગેઝીનની AI માં 100 સૌથી પ્રભાવશાળી માણસોની ડેબ્યુ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. આ યાદીમાં શામેલ થયેલી તે સૌથી યુવાન છે.
પૂજા શર્મા, અરુણા રોય, વિનેશ ફોગાટ, સુનિતા વિલિયમ્સ અને સ્નેહા રેવાનુર જેવી સ્ત્રીઓની કહાની દર્શાવે છે કે સ્ત્રીઓ બંધનો તોડી રહી છે અને સામાજિક મર્યાદાઓને પડકારી રહી છે. ગ્રાસરૂટ એક્ટિવિઝમથી લઈને સ્પેસ એક્સ્પ્લોરેશન અને ટેક્નોલોજીકલ ઈનોવેશન સુધી, આ પ્રેરણાદાયી સ્ત્રીઓ આપણને પરિવર્તન લાવવા માટે મહિલાઓની અમર્યાદ ક્ષમતા દર્શાવે છે.