રાજકોટમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો : એકાઉન્ટન્ટને બ્લેકમેઇલ કરી 40 હજાર પડાવ્યા
‘તે બસ સ્ટેશન પાછળ છોકરીને હોટેલમાં લઇ જઇ ખરાબ કર્યુ છે, કેસ થશે…હું પોલીસવાળો છું. ડી. સ્ટાફમાં છું કહી ધમકાવી યુવક પાસેથી પૈસા ખંખેર્યા : એ ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી કેમેરા આધારે વોચ ગોઠવી બસ સ્ટેશન પાછળથી પકડી ગુનો નોંધ્યો : નકલી પોલીસ બની બેઠેલા શખસ સામે મારામારીના પાંચ ગુના નોંધાય ચૂક્યા છે
ડુપ્લિકેટની બોલબાલા સર્વત્ર ચાલી રહી છે.ત્યારે રાજકોટમાં ફરી એક વખત નકલી પોલીસ પકડાયો છે. શહેરના કણકોટ રોડ પર રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવાન ત્રણ માસ પૂર્વે એસટી બસ સ્ટેશન પાછળ એક છોકરીને લઈને હોટેલમાં ગયો હોઇ અને બાદમા હોટેલમાંથી બહાર નીકળી કાર લઈને જતાં તેનો એક ટુવ્હીલર ચાલકે પીછો કરી સોરઠીયા વાડી સર્કલ પાસે કારને આંતરીને એકસેસ ચાલકે ‘હુ પોલીસવાળો છું. ડી સ્ટાફમાં છુ. તારો બસ સ્ટેશન પાછળથી પીછો કર છું. તે છોકરીને હોટેલમાં લઈ જઈ ખરાબ કામ કર્યું છે, કેસ કરવો છે કે વહિવટ કરવો છે?’ કહી ડરાવી ધમકાવી તેની પાસેથી ૪૦ હજાર પડાવી લીધા હતા.આ મામલે યુવકે તે સમયે અરજી કરી હતી.અને અરજીને આધારે એ-ડિવીઝન પોલીસે આ નકલી પોલીસને વોચ ગોઠવી બસ સ્ટેશન પાછળથી દબોચી લેતા ગુનો દાખલ કરી રિમાન્ડ પર લીધો છે.
બનાવની વિગત મુજબ મવડી ચોકડી નજીક રહેતા અને લીમડા ચોકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં ૨૨ વર્ષના યુવાનની ફરિયાદ પરથી દુધની ડેરી પાસે ઝમઝમ પાનવાળી શેરીમાં બાપુના મકાનમાં રહેતા અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયા (ઉવ.૨૫) વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગત તા. ૨૦-૭-૨૦૨૪ ના રાત્રીના નવ વાગ્યે કાર લઇને બસ સ્ટેન્ડ પાછળ ગયો હતો.ત્યારે અહીં એક યુવતી ઉભી હોય તે ઇશારા કરતા યુવાનને શરીર સુખ માણવાણી ઇચ્છા હોય જેથી યુવતીને પુછતા તેણે હોટલ સહિત ૧૫૦૦ કહ્યા હતાં. જેથી યુવાન તેની સાથે અહીં બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ મુનમાં ગયો હતો.જ્યાં યુવતી સાથે એકાંત માણ્યા બાદ હોટલથી બહાર નીકળી કાર લઇને જતો હતો. યુવાન કાર લઇને ભુતખાના ચોક થઈ નાગરિક બેંક ચોક અને ત્યાથી સોરઠીયાવાડી સર્કલ પાસે જતો હતો.ત્યારે રાત્રીના દસ વાગ્યા આસપાસ એકસેસ ચાલક તેની પાસે આવ્યો હતો અને કારના કાય ઉતારવાનું કહેતા યુવાને કાચ ઉતારતા આ શખસે કહ્યું હતું કે,હું પોલીસવાળો છુ અને ડી સ્ટાફમાં છુ. હું તારો બસ સ્ટેન્ડથી પીછો કરૂ છુ તે હોટલમાં છોકરી સાથે ખરાબ કામ કયુ છે.જેથી પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી યુવાનની કારમાં બેસી જઇ ભક્તિનગર સર્કલની સામે લઈ જઈ કહ્યું હતું કે,બોલ પોલીસ ચોકીએ જવુ છે કે, અહીં વહીવટ પતાવવો છે. તેમ કહી યુવાન પાસે દોઢ લાખની માંગણી કરી હતી.બાદમાં યુવાન પાસે આટલા પૈસા ન સગવડ ન થઇ શકે તેમ હોય અંતે ૪૦ હજારની માંગણી કરી હતી.જેથી યુવાને ૨૦ હજાર એટીએમ પરથી ઉપાડયા બાદ ૨૦ હજાર ગુગલ પે થી આપ્યા હતાં.
યુવાને આ અંગે જે તે સમયે સમાજના બદનામીના ડરથી પોલીસમાં માત્ર અરજી કરી હતી. આ અરજીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી પોલીસે જે હોટલમાં બનાવ બન્યો હતો તે હોટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમા આ શંકાસ્પદ શખસ નજરે પડયો હતો.બાદમાં આ ફુટેજના આધારે તપાસ ચલાવી હતી.દરમિયાન આરોપી અલ્તાફ બસ સ્ટેન્ડ આસપાસ આંટાફેરા કરવા આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.જેથી યુવકની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે રાજયસેવકની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધ્યો છે.અને રિમાન્ડ પર લીધો છે.વધુમાં જાણવા મળ્યું હતું કે,પકડાયેલા આરોપી સામે અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયા સામે અગાઉ મારામારીના પાંચ ગુના નોંધાય ચૂક્યા છે.
માતા બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત પડતાં આ કૃત્ય કર્યાની કબૂલાત
એ ડિવિઝન પોલીસના પીઆઇ બારોટ દ્વારા આરોપી અલ્તાફની પુછપરછ કરતા તેણે અવી કબુલાત આપી હતી.જે સમયે આ બનાવ બન્યો તે સમયે તેના માતા બીમાર હોય હોસ્પિટલમાં દાખલ હોય તેને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે આ કૃત્ય આચર્યું હતું.પંરતુ પોતે આ રીતે અન્ય કોઇને શીકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે તેની પૂછતાછ કરવામાં આવી છે