સંસદમાં શું થયું ? ક્યાંથી નીકળી પડ્યા નોટોના બંડલ ? જુઓ
શુક્રવારે સંસદમાં ફરી નોટકાંડથી તહેલકો મચી ગયો હતો. રાજ્યસભામાં આ મુદ્દા પર ભારે હંગામો થયા બાદ ગૃહ મુલતવી રહ્યું હતું. કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંધવીની સીટ નીચેથી રૂપિયા 500 ની નોટના બંડલ નીકળ્યા હતા અને ગૃહમાં ભારે ગોકીરો મચી ગયો હતો.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ મુદ્દે જીભાજોડી થઈ હતી. ગૃહના સભાપતિ ધનખડે એમ કહ્યું હતું કે આ રીતે સાંસદની બેન્ચમાં નોટના બંડલ મળવા તે ગંભીર બાબત છે. એમણે તપાસનો આદેશ આપી દીધો હતો. આ મુદ્દે સભાપતિ સાથે કોંગીના નેતા ખડગેએ દલીલબાજી કરી હતી. ખડગેએ કહ્યું કે તપાસ થાય તે પહેલા કોઈનું નામ કેમ લઈ શકાય ?
ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે શોર બકોર અને હંગામો મચી ગયો હતો અને કોઈ મહત્વના કામકાજ થઈ શક્યા નહતા. સભાપતિએ કહ્યું હતું કે સીટ નંબર 222 ની નીચેથી આ બંડલ મળ્યું છે. આ સીટ તેલંગણાના સાંસદ કોંગીના સિંધવીની છે.
સિંધવીએ કહ્યું હું તો 3 મિનિટ જ ગૃહમાં હતો ખીસામાં 500 રૂપિયા જ રાખું છું !
દરમિયાનમાં આ મુદ્દે હંગામાં વચ્ચે સિંઘવીએ એવી ચોખવટ કરી હતી કે હું તો માત્ર 3 મિનિટ માટે જ ગૃહમાં આવ્યો હતો. 12-57 વાગે ગૃહમાં આવ્યો અને 1 વાગે ગૃહની બહાર ગયો. ત્યારબાદ કેન્ટીનમાં 1-30 વાગ્યા સુધી બેઠો હતો. ત્યાં ભોજન કરીને સંસદ સંકૂલ છોડીને હું ચાલ્યો ગયો હતો. એમણે કહ્યું કે હું ગૃહમાં આવું છું ત્યારે ખીસામાં 500 ની એક જ નોટ રાખું છું.
નડાએ કહ્યું ગૃહની ગરિમા ઝંખવાઈ
ગૃહના નેતા અને ભાજપના પ્રમુખ નડાએ આ અંગે કહ્યું હતું કે આ ગંભીર ઘટના છે અને ગૃહની ગરિમા પર કુઠારાઘાત સમાન છે. આ રીતે કોઈ સભ્યની સીટ નીચેથી ચલની નોટોના બંડલ મળવા તે ગંભીર બાબત છે અને તેની પૂરી તપાસ થવી જ જોઈએ. ભાજપના અન્ય નેતાઓએ પણ આ ઘટના વખોડીને તપાસ કરવાની માંગણી કરી હતી.