પડધરીમાં 40 જેટલા ગરીબોને મળશે “આશરો”
મામલતદાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે ખાસ કેમ્પ યોજી દરખાસ્ત તૈયાર કરાઈ
રાજકોટ : રાજકોટ જિલ્લાના પડધરી ગામે બાયપાસ ઉપર વર્ષોથી ઝુંપડા બાંધી રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને ટૂંક સમયમાં જ ઘરનું ઘર મળશે, પડધરી મામલતદાર દ્વારા ગરીબ પરિવારો માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં એક નાયબ મામલતદારને વિશેષ ફરજ સોંપી એક જ દિવસમાં 20 અરજદારોની અરજી તૈયાર કરવામાં આવી છે અને બાકી રહેતા 20 જેટલા પરિવારો માટે ફરી એક કેમ્પ યોજી ગીતાનગર નજીક રહેણાંક માટે જમીનની ફાળવણી કરવામાં આવશે.
આજના સમયમાં ગરીબ અરજદારોને સાંભળવા માટે અધિકારીઓ પાસે સમય નહીં હોવાની વ્યાપક બુમ વચ્ચે રાજકોટ જિલ્લા મહેસૂલીતંત્ર માનવતાવાદી કાર્ય કરી રહ્યું હોવાના અનેક દાખલાઓ વચ્ચે શુક્રવારે પડધરી તાલુકા મામલતદાર કેતન સખિયાએ આવો જ એક માનવતાવાદી અભિગમ અપનાવી વર્ષોથી પડધરી બાયપાસ નજીક ઝુંપડા બાંધી વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના 40 જેટલા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે ખાસ કેમ્પ યોજ્યો હતો જેમાં એક જ દિવસમાં 20 પરિવારોની અરજીઓ તૈયાર કરવામાં આવી હતી.
પડધરી તાલુકા મામલતદાર કેતન સખિયાએ જણાવ્યું હતું કે, પડધરી બાયપાસ ઉપર વસવાટ કરતા આ પરિવારો અત્યંત ગરીબ પરિવારના હોવાનું અને મજૂરીકામ કરી ગુજરાન ચાલવતા હોય આ પરિવારના બાળકો અભ્યાસ કરતા થાય અને ગરીબ પરિવારોને આશરો મળે તે માટે સર્વે કરવામાં આવતા આવા 40 જેટલા પરિવારોં હોવાનું સામે આવ્યું હતું. આ તમામ ગરીબ પરિવારોને પડધરીના નવા મંજુર થયેલા ગામતળમાં ઉપલબ્ધ જમીનમાં રહેણાંક હેતુ માટેના પ્લોટ આપવા માટે હાલમાં કાર્યવાહી હાથ ધરી એક નાયબ મામલતદાર મારફતે તમામની અરજીઓ લેવામાં આવી છે જેની હવે વિધિવત દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.