કિંગ કોહલીની ફિટનેસનો રાઝ શું છે ?? પત્ની અનુષ્કા શર્માએ ખોલ્યો પતિનો રાઝ, જાણો શું છે વિરાટની દિનચર્યા
ક્રિકેટમાં તેની સફળતામાં વિરાટ કોહલીની અદ્ભુત ફિટનેસ મહત્વનો ભાગ ભજવે છે. ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. કોહલીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સદીના દુષ્કાળને સમાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 81મી સદી ફટકારી હતી. 36 વર્ષની ઉંમરમાં પણ વિરાટની ફિટનેસમાં કોઈ મેળ નથી. તે તેને સતત જાળવી રહ્યો છે. શું છે કોહલીની ફિટનેસનું રહસ્ય? વિરાટ પોતાને આટલો ફિટ કેવી રીતે રાખે છે? આ પાછળનું કારણ શું છે? આ તમામ બાબત પર વિરાટની પત્ની અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનારી ડે નાઈટ ટેસ્ટ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીની હેલ્થ અને તેની ડેલી રૂટિન પ્રત્યેના અતૂટ લગાવ વિશે જણાવી રહી છે.અનુષ્કાએ વિરાટની દિનચર્યા વિશે જણાવ્યું હતું કે, ‘’દરરોજ તે સવારે ઉઠીને કાર્ડિયો અથવા HIIT કરે છે. તે મારી સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. તેનો આહાર સ્વચ્છ છે. તે કોઈ જંક ફૂડ કે સ્વીટ પીણાં લેતો નથી. શું તમે વિશ્વાસ કરશો, તેણે લગભગ 10 વર્ષથી બટર ચિકન ખાધું નથી. તે પોતાની ઊંઘ સાથે કોઈ બાંધછોડ કરતો નથી. તેમને આરામના સમયમાં સંપૂર્ણ આરામની જરૂર હોય છે.

અનુષ્કાના મતે, ‘’વિરાટની તેની લાઇફસ્ટાઇલના દરેક પાસાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેને માત્ર એક વર્લ્ડ ક્લાસ એથ્લેટ જ નહીં, પરંતુ તેની આસપાસના દરેક માટે પ્રેરણા પણ બનાવે છે. વિરાટ કોહલીએ પર્થમાં શાનદાર વાપસી કરી અને સદી ફટકારી. તે શુક્રવારથી એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટમાં સદી ફટકારીને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે. કોહલીની ફિટનેસ અને ફોર્મ ભારતને WTC ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.