બાંગ્લાદેશમાં થઇ રહેલા હિંદુ હુમલાને ભારતીયોનો અસહકાર : પ્રવાસીઓને જાકારો, તબીબી સેવાઓ પર લાલ ચોકડી
- બાંગ્લાદેશના જુલ્મીઓની વિરુદ્ધ ભારતીયો એકજુથ થયા
- પ્રવાસન, વેપાર અને રાજદ્વારી સંબંધોને ફટકો
એક સમયે મૈત્રીપૂર્ણ સંબંધો માટે જાણીતા ભારત અને બાંગ્લાદેશ હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વધતા અહેવાલોને પગલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ રહી છે. પાડોશી મુલ્કમાં હિન્દુઓ સુરક્ષિત નથી માટે ભારતીયો અપસેટ છે. પરિણામે ભારતમાં બાંગ્લાદેશી નાગરિકો માટે પર્યટન, વેપાર અને તબીબી સેવાઓ ઉપર સ્વયંભુ પ્રતિબંધ લાગી રહ્યો છે.
પ્રવાસીઓને જાકારો
ત્રિપુરામાં, એક મુખ્ય ટ્રાવેલ એસોસિએશને બાંગ્લાદેશના પ્રવાસીઓને સર્વિસ આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. આપણી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ બાંગ્લાદેશી મુલાકાતીઓને બુકિંગ અને રૂમ આપવાનો ઇનકાર કરી રહી છે. અગરતલામાં 50 થી વધુ પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશી મિશનમાં પ્રવેશ્યા હતા, જેના કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
અશાંતિને કારણે બંને દેશો વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા પર પણ અસર પડી છે. ઓગસ્ટ 2024 સુધીમાં, ભારતની મુલાકાતે આવતા બાંગ્લાદેશી પ્રવાસીઓની સંખ્યા 2023 માં વીસ લાખથી ઘટીને દસેક લાખ થઇ જશે એવું લાગે છે.
તબીબી સેવાઓ પર લાલ ચોકડી
ભારતની કેટલીક હોસ્પિટલો, ખાસ કરીને કોલકાતા અને અગરતલામાં આવેલી અસ્પતાલોએ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે. કોલકાતાની એક હોસ્પિટલે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી તે બાંગ્લાદેશી નાગરિકોની મરમ્મત કરશે નહીં. તેવી જ રીતે, ત્રિપુરાની એક હોસ્પિટલે પણ દેશદાઝથી પ્રેરાઈને કહ્યું કે તેઓ એવા દેશના લોકોને મદદ કરશે નહીં જેણે ભારતીયોનું “અપમાન” કર્યું છે. આ નિર્ણય મેડિકલ ટુરીઝમ પર ગંભીર અસર કરી શકે છે. જે 2023માં જ 300,000-350,000 બાંગ્લાદેશી દર્દીઓ ભારત સારવાર કરાવવા આવ્યા હતા અને હવે તે આંકડો ઘટશે એવું લાગે છે.
સ્થગિત વ્યવસાય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક રીતે મજબૂત એવા વેપાર સંબંધો પણ તણાવ હેઠળ છે. સોમવારે, આસામના નિકાસકારો અને આયાતકારોના સંગઠને સુતારકાંડી લેન્ડ પોર્ટ પરથી જ માલની હેરફેર અટકાવી દીધેલી. આ પ્રતિબંધને કારણે બાંગ્લાદેશમાં પથ્થર, ચોખા, કોલસો અને ફળો જેવી ચીજવસ્તુઓની નિકાસ ખોરવાઈ ગઈ છે.
જો બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓ પરના હુમલાઓ સામે પગલાં નહીં લે તો પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ “અનિશ્ચિત મુદ્દત માટે નિકાસ પર પ્રતિબંધ” ની જાહેરાત કરી. આસામમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી સામાનની હોળી પણ થઇ છે.
હવાઈ મુસાફરી
બંને દેશો વચ્ચેની ફ્લાઇટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈ 2024માં કોલકાતા અને બાંગ્લાદેશ વચ્ચે 205 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી, પરંતુ નવેમ્બર સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 96 થઈ ગઈ હતી. તેવી જ રીતે, ખોજાડાંગા અને પેટ્રાપોલ જેવા બોર્ડર પોઈન્ટ પર ટ્રકની અવરજવર ધીમી પડી છે, દરરોજ ક્રોસ કરતી ટ્રકોની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે.
ખાટા સંબંધો
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ થઇ એ તો ખરું જ પણ ત્યાના સ્થાનિક લોકોનું વલણ સ્વીકાર્ય નથી. ભારતના નજીકના સાથી ગણાતા શેખ હસીનાને વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના બળવામાં સત્તા પરથી હટાવવામાં આવી અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ હવે વચગાળાની સરકારે નેતૃત્વ લીધું પણ તે દેશ ઉપર કાબુ મેળવી શક્યા નથી. ભારતે યુનુસના વહીવટીતંત્ર પર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ થવાનો આરોપ મુક્યો છે માટે બંને દેશો વચ્ચે સંબંધો વધુ વણસ્યા છે. હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડે આગમાં ઘી હોમ્યું છે.
બાંગ્લાદેશ શું કહે છે?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે વણસેલા સંબંધોનો સ્વીકાર કર્યો છે. નોબેલ પારિતોષિક વિજેતા અને વર્તમાન નેતા મુહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશને “અફઘાનિસ્તાન જેવું” બનતું દર્શાવી રહ્યું છે, જે રાષ્ટ્રના પુનઃનિર્માણના તેના પ્રયાસોને જટિલ બનાવે છે.
બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને 5 ઓગસ્ટ પછી સંબંધોમાં બદલાવ આવ્યો હોવાની વાત સ્વીકારતા કહ્યું કે, “ભારતે હવે અમારી સાથે સંબંધો જાળવી રાખવા માટે આ નવી વાસ્તવિકતાનો સામનો કરવો પડશે.”
બંને પડોશીઓ વચ્ચે તણાવ શરુ થયો તેના પહેલાથી જ વેપાર, પર્યટન અને હેલ્થકેર સંબંધિત દરેક ક્ષેત્રને નેગેટીવ અસર થઇ રહી છે. જો કે બાંગ્લાદેશ સંબંધોમાં સુધારાની આશા વ્યક્ત કરે છે, પરંતુ ભવિષ્યનો માર્ગ પડકારજનક લાગે છે. દક્ષિણ એશિયાની સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને દેશો માટે પોતાના મતભેદો દૂર કરે તે જરૂરી છે.