મુંબઈમાં ઝરમર વરસાદ : ગુલાબી ઠંડી વચ્ચે ચોમાસાનો અનુભવ
ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહેલા મુંબઈવાસીઓ માટે બુધવારનો દિવસ અનોખો શરુ થયો હતો. શિયાળાને બદલે ચોમાસુ ચાલી રહ્યું હોય તેવું વાતાવરણ જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. ગોરંભાયેલા આકાશની વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હ અતો અને ઠંડીની સિઝન માણવી કે પછી વરસાદી માહોલને વધાવવો એની અસંમજસમાં લોકો પડ્યા હતા.
મંગળવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બુધવાર વહેલી સવારે અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતાં. સવારના સમયમાં ઓફિસ અને સ્કૂલ -કૉલેજ જનારા અચાનક આવી પડેલા વરસાદના ઝાપટાંથી ચોંકી ગયા હતા.સવારના અનેક વિસ્તારમાં વરસાદ પડતાં રસ્તા ભીના થઇ ગયા હતા. હવામાન વિભાગ નાં કહેવા મુજબ ફેંગલ વાવાઝોડા ની અસર હેઠળ મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મુંબઈમાં હજી ૨-૩ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં શહેર અને તેના ઉપનગરો માટે “સવારના કલાકો દરમિયાન ધુમ્મસ અને બપોર/સાંજ સુધી અંશતઃ વાદળછાયું આકાશ” રહેશે.