કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા ઉઘરાણી શરૂ
જપ્તીનો જાદુ ! 9 અસામીઓએ ફટાફટ 46.46 લાખ ભર્યા
અલગ -અલગ સાત વોર્ડમાં વેરા વસુલાત માટે ટેક્સ વિભાગે નોટિસો ફટકારવાનું શરૂ કર્યું
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષોથી બાકી મિલ્કત વેરો નહીં ભરનાર આસામીઓ સામે શરૂ કરેલી રિકવરી અને જ઼પ્તની કાર્યવાહી અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 4 મિલ્કતો સીલ કરી દેવામાં આવતા અલગ-અલગ સાત વોર્ડમાં નવ આસામીઓએ ફટાફટ બાકી નીકળતો 46.46 લાખનો વેરો ભરપાઈ કરી દીધો હતો.
રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન ટેક્સ શાખાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બાકી મિલ્કત વેરાની વસુલાત માટે હાથ ધરવામાં આવેલ રીકવરી ઝુંબેશઅંતર્ગત કુલ ચાર મિલ્કત સીલ કરવામાં આવી હતી અને નવ મિલ્કત ધારકોને જપ્તીની નોટિસ બજાવતા જ તાત્કાલિક નાણાં ભરપાઈ કર્યા હતા જેમાં વોર્ડ નં-1માં રૈયા રોડ પર આવેલ એક મિલ્કત ધારકને નોટિસ આપવામાં આવતા રૂપિયા 4.27 લાખ ભરી દીધા હતા. એ જ રીતે વોર્ડ નંબર 4માં આવેલ સદગુરૂ નગર માં આવેલ મિલ્કત ધારકને નોટિસ આપવામાં આવતા 30 હજાર ભરપાઈ કર્યા હતા.
જયારે વોર્ડ નંબર-7માં ટાગોર રોડ પર આવેલ ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧ માં નોટિસ આપેલ હતી તેમજ વોર્ડ નં-13માં મહાદેવ વાડી મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ આપવા આવતા 59,020ની રીકવરી થઇ હતી. એ જ રીતે ગુરૂ પ્રસાદ ચોકમાં આવેલ મિલ્કતને નોટિસ આપવામાં આવતા 88.170ની રિકવરી થઇ હતી.જયારે મવડી રોડ પર અલગ અલગ બે મિલ્કત ધારકોને જપ્તી નોટિસ આપવામાં આવતા એક કેસમાં 62,064 અને બીજા કિસ્સામાં 56,120ની વસુલાત થઇ હતી.
આ ઉપરાંત વોર્ડ નંબર 15માં ઓમ ઉદ્યોગનગર વિસ્તાર બે મિલ્કતોને નોટિસ, કે.પી.ઓદ્યોગિક વિસ્તારમાં એક મિલ્કત ધારકને નોટિસ, વોર્ડ નંબર 16માં કોઠારિયા રોડ પર એક મિલ્કતને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 53 હજારની રિકવરી, વોર્ડ નંબર 18માં 40 ફૂટ મેઇન રોડ પર આવેલ મિલ્કતને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા 58,800ની રીકવરી, ન્યુ નેહરૂ નગર માં આવેલ મહાવીર એન્ટરપ્રાઈઝ” સામે સીલ ની કાર્યવાહી કરતા 4.17 લાખની રિકવરી તેમજ બોલબાલા રોડા પર મિલ્કત ધારકને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા 2 લાખની રિકવરી મળી કુલ રૂપિયા 46.46 લાખની રિકવરી થઇ હતી.આ કામગીરી સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન,ઇસ્ટ ઝોનના મેનેજર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા કરવામાં આવી હતી.