ચાલુ વર્ષે મેઘરાજાએ ચોમાસાની ધમાકેદાર ઇંનિગ રમી શ્રીકાર વરસાદ વરસાવ્યો છે અને જિલ્લામાં ધોરાજી અને લોધીકા તાલુકામાં 200 ટકા વરસાદ વરસાવ્યો છે ત્યારે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ પૂર્વે 1જૂનથી કાર્યરત કરવામાં આવેલ ફ્લડ કન્ટ્રોલ મહેકમને તા.30 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે ચોમાસાની સમાપ્તિ સાથે ફ્લડ કંટ્રોલરૂમનું મહેકમ પૂર્ણ થશે અને ફ્લડ કન્ટ્રોલમાં મુકાયેલ નાયબ મામલતદાર મામલતદાર સહિતના સ્ટાફની અન્યત્ર બદલી કરવામાં આવશે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવે છે અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને વિશેષ ફરજ ઉપર મુકવામાં આવે છે જેમાં 30 નવેમ્બરે સરકારી ચોપડે ફ્લડ કંટ્રોલ મહેકમને સમાપ્ત કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ અનહદ હેત વરસાવતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ધોરાજી અને લોધીકા તાલુકામાં સરેરાશ વરસાદની તુલનાએ ચાલુ વર્ષે બમણો વરસાદ નોંધાતા ફ્લડ કંટ્રોલરૂમ સતત ધમધમતો રહેવાની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત દોડતી રહી હતી.
રાજકોટ ફ્લડ કંટ્રોલના સત્તાવાર આંકડા મુજબ જિલ્લાના 11 તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં 204.96 ટકા અને બીજા ક્રમે લોધીકા તાલુકો 203.04 ટકા સાથે રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ વરસાદની તુલનાએ 18થી લઈ 85 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. એક માત્ર વીંછીયા તાલુકામાં જ સરેરાશ વરસાદની તુલનાએ 13 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો વિછિયા તાલુકામાં સરેરાશ 557 મીમીની તુલનાએ આ વર્ષ દરમિયાન 490 મીમી વરસાદ વરસતા 13 ટકા ઘટ નોંધાઈ હોવાનું આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે.