બાર એસોસિએશન કે ઘરની પેઢી ? પ્રમુખ-સેક્રેટરી સરધારાથી દબાઈ’ ગયા !
એક ફોન આવ્યો'ને રાજાણી-વ્યાસે મળીને પાદરિયાનો કેસ ન લડવા ઠરાવ પણ કરી નાખ્યો
સરધારાએ ફરિયાદમાં પોતાને વેપારી ગણાવ્યા, સેક્રેટરીએ કહ્યું, એ તો વકીલ છે
સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા ઉપર પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવાની ઘટનામાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. દરમિયાન બાર એસોસિએશન-રાજકોટે એવો ઠરાવ પસાર કર્યો હતો કે પીઆઈ પાદરિયા વતી એક પણ વકીલ કેસ લડશે નહીં.
આ ઠરાવ ૯ લોકોનું પૂરું કોરમ ન હોવા છતાં પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને પણ અનેક વિખવાદ ચાલું થઈ રહ્યા છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પાદરિયા વતી કોઈ વકીલે કેસ ન લડવો તેવો ઠરાવ કરવાની આખરે જરૂર શા માટે પડી ? એકંદરે પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસ જાણે કે સરધારાથી
દબાઈ’ ગયા હોય તેવી રીતે ફટાફટ ઠરાવ કરી નાખ્યો હતો.
બીજી બાજુ કોઈ પણ ઠરાવ કરવામાં આવે ત્યારે કોરમમાં સામેલ ૯ વકીલોની સહમતિની જરૂર હોય છે પરંતુ આવી કોઈ જ સહમતિની રાહ જોયા વગર જ બન્નેએ ઠરાવ કરી નાખ્યો હોવાનું વકીલો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ અંગે બાર એસો. રાજકોટના સેક્રેટરી પી.સી.વ્યાસનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે જયંતી સરધારા હોસ્પિટલના બિછાને હતા ત્યારે હું અને પ્રમુખ બકુલ રાજાણી તેમના ખબર પૂછવા પણ ગયા હતા. આ પછી જયંતી સરધારાનો તેમના ઉપર ફોન આવ્યો હતો કે પીઆઈ પાદરિયા વતી બાર એસોસિએશનનો એક પણ વકીલ કેસ ન લડે તે જોઈ લેજો. બસ, સરધારાની આ વાત સેક્રેટરી પી.સી.વ્યાસે માન્ય રાખી હતી અને ત્યારબાદ તેમણે અને પ્રમુખ બકુલ રાજાણીએ મળીને ઠરાવ પણ કરી નાખ્યો હતો કે આ કેસ કોઈ વકીલે `હાથ’ પર લેવાનો નથી !
બીજી બાજુ આ પ્રકારનો ઠરાવ કરવાની જરૂર શું પડી ? આ પ્રશ્નનો જવાબ આપતાં પી.સી.વ્યાસે કહ્યું કે જયંતી સરધારા બાર એસો. સહિતની ચૂંટણીઓમાં મતાધિકાર ધરાવે છે અને તેઓ વકીલ પણ છે એ નાતે તેમની માંગ ગ્રાહ્ય રખાઈ હતી. જો કે એ વાત પણ નોંધનીય છે કે જયંતી સરધારે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતે વેપારી હોવાનું લખાવ્યું છે ત્યારે જો તેઓ એડવોકેટ હોય તો પછી શા માટે વેપારી લખાવ્યું હશે ? જો તેઓ ઉદ્યોગપતિ હોય તો પછી તેમની સનદ રદ્દ ન થાય ? તેવું પૂછવામાં આવતાં વ્યાસે કહ્યું હતું કે આ નિર્ણય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત જ લઈ શકે. જો કોઈ વકીલ આ દિશામાં અરજી કરે તો બાર કાઉન્સીલ તેના પર નિર્ણય લઈ શકે છે.