રાજકોટમાં ઓઇલ કંપની પર જીએસટીના દરોડા: 131 કરોડની કરચોરી પકડાઈ
ગત સપ્તાહે ડીજીજીઆઈ અમદાવાદના અધિકારીઓએ જાગનાથ તેમજ છ જેટલા સ્થળો પર આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં સર્ચ કર્યું હતું: પેઢીના માલિકની ધરપકડ
ગુજરાતમાં જીએસટી બોગસ બીલીંગ કૌભાંડનો રેલો રાજકોટ સુધી આવ્યો છે ત્યારે ગત સપ્તાહમાં રાજકોટના જાગનાથ વિસ્તારમાં રહેતા ઓઇલના વેપારીને ત્યાંથી 131 કરોડની કરચોરી ખુલ્લી છે.ડીજીજીઆઈ અમદાવાદની ટીમ દ્વારા રાજકોટમાં તાજેતરમાં ઓઈલ કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.
બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની આ પેઢીમાંથી ઓછા વેચાણ બિલ વગર બિલ વેચાણ અને બોગસ બીલીંગ દ્વારા જીએસટીની 131 કરોડની કરચોરી જીએસટીની આ ટીમે ઝડપી હતી.
ગયા અઠવાડિયે રાજકોટની જીએસટી ટીમને અંધારામાં રાખી સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજકોટમાં બેઝ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશનું વેચાણ કરતી આશાપુરા એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડ્યા હતા.
ડીડીજીઆઈના અધિકારીઓએ રાજકોટમાં આવેલા આશાપુરા એન્ટરપ્રાઇઝની ઓફિસ,ઘર, ફાર્મહાઉસ મળીને કુલ છ જેટલી જગ્યા પર આ સર્ચ ઓપરેશન કર્યું હતું. તપાસ દરમિયાન ફિઝિકલ અને કોમ્પ્યુટર ડેટા મળી આવ્યો હતો જેની તપાસ કરતા 131 કરોડની કરચોરી નો આંકડો ખુલ્યો છે. આ કેસમાં પેઢીના માલિકની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.