પાકિસ્તાનમાં કેવી રીતે બની સ્થિતિ સ્ફોટક ? કેટલાના મોત થયા ? જુઓ
પાકિસ્તાનમાં ભારે રાજકીય રમખાણ ચાલુ જ રહ્યા છે અને મંગળવારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે ઇસ્લામાબાદમાં હજારોની સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા અને પોલીસ તથા સેના સાથે ઘર્ષણ થતાં ઈમરાનના 3 ટેકેદારોના ગોળીબારમાં મોત થાઈ ગયા હતા. હિંસક વિરોધ વચ્ચે શૂટ એટ સાઇટનો આદેશ આપી દેરવાયો હતો. ઈમરાન ખાનના સમર્થકોએ ઇસ્લામાબાદ તરફની કૂચ ચાલુ જ રાખી હતી અને ચેતવણીઓ ફગાવી દીધી હતી. આ આંદોલન હવે વધુ હિંસક બન્યું છે.
ઈમરાનના ટેકેદારોએ ભારે હિંસક વિરોધ શરૂ કરીને બેરીકેડો તોડી નાખી હતી અને તેઓ સતત કૂચ આગળ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન એમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ અને સેના પર પથ્થરમારો કર્યો હતો. ભારે સ્ફોટક સ્થિતિ વચ્ચે અશાંતિ ફેલાઈ જતાં બજારો બંધ થઈ ગઈ હતી.
ઇસ્લામાબાદમાં ચારેકોર પોલીસ અને સેના ગોઠવાઈ ગઈ હતી અને ઈમરાનના ટેકેદારોને અટકાવવા માટે ઠેર ઠેર બેરીકેડ લગાવી દેવાઈ હતી. આ વિરોધ પ્રદર્શનની બાગડોર ઈમરાનના પત્ની બુશરા બીબી અને ખૈબરના મુખ્યમંત્રીએ સંભાળી હતી.
પાકિસ્તાનની સરકારે સ્થિતિનો સામનો કરવા માટે ઇસ્લામાબાદના રસ્તાઓ પર સેનાને ગોઠવી દેવાનો આદેશ કર્યો હતો. પોલીસ ટુંકી પડી હતી અને વિરોધીઓની સંખ્યા જોતાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી માટે સેનાએ પ્રદર્શનકારીઓ સામે બાથ ભીડી હતી.
અંતે ભારે હિંસા શરૂ થઈ જતાં સરકારે શૂટ એટ સાઇટનો આદેશ આપી દીધો હતો અને સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો હતો જેમાં 3 પ્રદર્શનકારી માર્યા ગયા હતા. જો કે એક પોલીસમેન પણ માર્યો ગયો હોવાના અહેવાલો અપાયા હતા.