ઇસ્કોનના સાધુની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર ઢાકામાં હુમલો
બાંગ્લા દેશમાં ઇસ્કોનના સાધુ અને હિન્દુ જાગરણ જ્યોત સંસ્થાના નેતા સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ઢાકા પોલીસે ધરપકડ કર્યા બાદ મંગળવારે હજારો હિન્દુઓએ રસ્તા પર ઉતરી આવી પ્રચંડ દેખાવો કર્યા હતા.ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિન્દુ સમુદાયના લોકોએ ચક્કાજામ કરી દીધો હતો અને સાધુની મુક્તિની માંગણી કરી હતી.એ વિરોધ પ્રદર્શનકારીઓ પર ઢાકામાં કટ્ટરવાદી તત્વોએ હુમલો કરતાં વાતાવરણ સ્ફોટક બન્યું હતું.બીજી તરફ ઢાકાની અદાલતે સાધુની જમીન અરજી ફગાવી દેતા તેમને જેલ હવાલે કરી દેવાયા હતા.સાધુને અદાલતમાં હાજર કરાયા ત્યારે ઉપસ્થિત હિન્દુ સમુદાયના સભ્યોએ અદાલત પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઢાકા પોલીસે સોમવારે ચટગાંવ જઈ રહેલા સાધુ ચિન્મય કૃષ્ણદાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરતાં હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.પોલીસે આ સાધુ સામે દેશદ્રોહ અને સામાજિક સંવાદિતા ખંડિત કરવાનો ગુનો નોંધ્યો છે.
દરમિયાનમાં ઢાકાના શાહબાગમાં પ્રદર્શન કરી રહેલા હિન્દુઓ પર કટ્ટરવાદીઓએ હુમલો કરતા 20 લોકો ઘાયલ થયા હતા જે બધાને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.તેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવવામાં આવી હતી.
હુમલો થયો તે સ્થળ પોલીસ મથકની તદ્દન નજીક હતું અને પ્રદર્શનસ્થળે મોજૂદ પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાશો નિહાળતી રહી હતી.નોંધનીય છે કે બાંગ્લા દેશમાં ઇસ્કોનના 77 મંદિરો આવેલા છે અને અંદાજે 50 હજાર અનુયાયીઓ ધરાવે છે.હસીના સરકારના પતન બાદ અનેક ઇસ્કોન મંદિરો હુમલાનો ભોગ બન્યા હતા.સાધુ ચિન્મય પ્રભુએ એ હુમલાઓ બાદ હિન્દુઓને એક થવાનું આહવાન કર્યું હતું.
આઝાદી સ્તંભ પર ભગવો લહેરાવા બદલ સાધુ સામે દેશદ્રોહનો કેસ
બંગલા દેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હિન્દુઓ પર થયેલા અત્યાચાર સામે સાધુ ચિન્મય
કૃષ્ણદાસ પ્રભુએ અવાજ ઉઠાવ્યો હતો.દરમિયાન 25મી ઓક્ટોબરે હિન્દુ જાગરણ જ્યોત નામના સંગઠન દ્વારા ચટગાંવમાં યોજાયેલી સભાને ચિન્મય કૃષ્ણદાસે સંબોધન કર્યું હતું.એ કાર્યક્રમ બાદ કેટલાક લોકોએ આઝાદી સ્તંભ ઉપર ભગવો ધ્વજ લહેરાવતા વિવાદ થયો હતો.બાદમાં પોલીસે એ ધ્વજ ઉતારી લીધો હતો.એ ઘટના બાદ 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા ઝિયાની પાર્ટીના નેતા ફિરોઝ ખાન સાધુ ચિન્મય પ્રભુ સહિત 19 લોકો સામે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવાની અને દેશદ્રોહની ફરિયાદ નોંધાવી હતી.
ભારતે સતાવાર વિરોધ નોંધાવ્યો
ઇસ્કોનના સાધુની ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ભારતના વિદેશ મંત્રાલયે સતાવાર રીતે પોલીસના આ પગલાને વખોડતું નિવેદન આપ્યું હતું. બાંગ્લા દેશમાં શાંત પ્રદર્શન કરવાના અને વાણી સ્વાતંત્ર્યનો અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો ભારતે આક્ષેપ કર્યો હતો.પોલીસ શાંત પ્રદર્શનકારીઓ પર દમન ગુજારતી હોવાનો અને હિન્દુઓ પર હુમલા કરતા કટ્ટરવાદીઓને
છાવરતી હોવાનો આક્ષેપ કરી વિદેશ મંત્રાલયે સાધુ ચિન્મય કૃષ્ણદાસને મુક્ત કરવાની માંગણી કરી હતી.