પર્થ ટેસ્ટમાં બોલરો બાદ બેટરોએ કાંગારુંઓને હંફાવ્યા : બીજી ઈનિંગમાં યશસ્વી-રાહુલે બોલરોને વિકેટ માટે તરસાવ્યા
ભારતે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થ ટેસ્ટના બીજા દિવસે રમત પૂર્ણ થયા સુધીમાં ૨૮૧ રનની લીડ મેળવી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને કે.એલ.રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી ૯૦ અને રાહુલ ૬૨ રન બનાવીને રમતમાં છે. આ બન્નેએ ઑસ્ટે્રલિયન બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. ઑસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં ભારતના ૧૫૦ રન સામે ૧૦૪ રને જ આઉટ થઈ ગયું હતું.
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં વિનાવિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં ૧૫૦ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં રાહુલે ૧૫૩ બોલનો સામનો કરીને ૬૨ રન બનાવ્યા હતા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. જ્યારે યશસ્વીએ સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૯૩ બોલમાં ૯૦ રન બનાવ્યા હતા.
ઑસ્ટે્રલિયન બોલરો બીજા દિવસની રમતમાં ભારતીય ઓપનિંગ જોડીને આઉટ જ કરી શક્યા ન્હોતા. મીચેલ સ્ટાર્કે ૧૨ ઓવરમાં ૪૩ રન આપ્યા હતા. જ્યારે જોશ હેઝલવૂડે ૧૦ ઓવરમાં માત્ર નવ જ રન આપ્યા હતા. કેપ્ટન પેટ કમિન્સે ૧૩ ઓવરમાં ૪૪ રન આપ્યા હતા. જો કે એક પણ વિકેટ લઈ શક્યા ન્હોતા.
આ પહેલાં ઑસ્ટ્રેલિયા ૧૦૪ રને આઉટ થઈ ગયું હતું જેમાં સૌથી વધુ ૨૬ રન મીચેલ સ્ટાર્કે બનાવ્યા હતા. ભારત વતી બુમરાહે ઘાતક બોલિંગ કરતા ૧૮ ઓવરમાં ૩૦ રન આપીને પાંચ વિકેટ તો હર્ષિત રાણાએ ૩ વિકેટ ખેડવી હતી. જ્યારે સીરાજના ભાગે બે વિકેટ આવી હતી.