યાજ્ઞિક રોડ પર મલાબાર શો-રૂમના ગોડાઉનમાંથી રૂ.1.03 લાખના વાયરો ચોરાયા
શહેરમાં યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમની બાજુમાં નવા બનતા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ લીમીટેડના શોરૂમના ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.1.03 લાખનો કોપરની પટ્ટી અને વાયર સહિતનો સામાન ચોરી જથતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ મોટા મવા રંગોલી પાર્ક પાસે રહેતા વીજયભાઈ સંતોષભાઇ બુલચંદાણી (ઉં.વ. ૪૩) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે યાજ્ઞિક રોડ પર બોમ્બે કોર્પોરેટમાં નવા બનતા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ લીમીટેડ કલાસીક શો રૂમ નં. ૧૧ માં મેનેજર તરીક નોકરી કરે છે.ગત તા. ૭/૧૧ ના રોજ સવારે પોતે ઘરે હતા ત્યારે યાજ્ઞિક રોડ પર નવા બની રહેલા મલાબાર ગોલ્ડના શો-રૂમના સિકયુરીટી ગાર્ડ અમરભાઈ સોલંકીનો ફોન આવતા તેણે કહેલ કે ‘આપણા નવા બનતા શોરૂમના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા અલગ-અલગ ગોડાઉન પૈકીના એક ગોડાઉનના શટરનું તાળુ તુટેલુ છે’ વાત કરતા પોતે તથા એકાઉન્ટન્ટ અક્ષયભાઇ બન્ને શો-રૂમે ગયાં ત્યાં ગોડાઉનનાં શટરનું તાળુ તુટેલુ હતું.તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો તસ્કર રૂ.૧,૦૩,૫૯૫ ના વાયરના બંડલ તથા અલગ-અલગ કોપરની પટ્ટી ચોરી કરી ગયો હતો.જેથી એ-ડીવીઝન પોલીસ મથક પી.એસ.આઇ બી.આર.સાવલીયાએ ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.