હોલસેલ ટેક્ષટાઈલ એસોસિએશનના 11 વેપારીઓને બે ભાઈઓએ માર્યું 16.21 લાખનું બુચ
રેડીમેઇડ મેન્સવેર તથા ચીલ્ડ્રનવેર કપડાનો વેપાર કરતાં વેપારીઓ પાસેથી માલ ખરીદી પૈસા ન ચુકવ્યા : દુકાન બંધ કરી ફરાર થઈ જતાં વેપારીઓએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ પરથી રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસિએશનના રેડીમેઇડ કપડાના 11 વેપારીઓ પાસેથી રૂા. 16.21 લાખના રેડીમેઇડ કપડાનો જથ્થાબંધ માલ ખરીદ કરી ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા બે ભાઇઓ વેપારીઓને પૈસાને ચુકવ્યા રાજકોટ મૂકી ભાગી જતાં વેપારીઓએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
શહેરમાં 80 ફૂટ રોડ પર સત્યમપાર્ક શેરી નં. ૩ માં રહેતા રેડીમેઇડ કાપડનો વેપાર કરતા ગીરીશભાઇ ડાયાભાઇ સોલંકી (ઉ.વ. ૩૪)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ધર્મેન્દ્ર રોડ પર જુનુ ડ્રેસ લેન્ડ અંબીકા કાપડની દુકાન પાસે આવેલી મનીષ ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા અને યુનિવર્સિટી રોડ પર રૂષીકેષ સોસાયટીમાં રહેતા વેપારી મનીષ હસમુખભાઇ ઉનડકટ અને તેના ભાઇ જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે પોતે ધર્મેન્દ્ર રોડ પર આવેલ ધી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસોસિએશનના છેલ્લા ચાર વર્ષથી સભ્ય છે અને આ એસોસિએશનના કુલ અલગ અલગ દસ વેપારીઓ સભ્ય છે. તમામ વેપારીઓ ધર્મેન્દ્ર રોડ પર આવેલ મનીષ ટ્રેડીંગના નામે વેપાર કરતા મનીષ ઉનડકટ અને તેના ભાઇ જયદીપ ઉર્ફે જોલી ઉનડકટને જથ્થાબંધ રેડીમેઇડ કાપડનો માલ આપી વેપાર કરે છે. આ બંને ભાઇઓ પોતાની તથા અન્ય દસ (વેપારીઓ પાસેથી છેલ્લા અઢી વર્ષથી રેડીમેઇડ કાપડનો માલ લઇ જતા હોઇ છે. ગત તા. 20-09-2022 થી તા. 11-10-2024 સુધીમાં પોતે તથા એસોશીએશનના આ તમામ વેપારીઓએ મનીષ ટ્રેડીંગ નામે કપડાનો વેપાર કરતા બંને ભાઇઓને રૂા. 4,04,122 ના રેડીમેઈડ કપડાનો માલ આપ્યો હતો. જેમાંથી રૂા. 1,10,313 પરત આપ્યા હતા.બાકીના રૂા.2,93,809 પરત આપ્યા ન હતા.
આ જ રીતે એસોશીએશનના એ.ડી. બ્રધર્સના અલ્પેશભાઇ મૃગ,અંજલી ગારમેન્ટના માલીક ભાવેશભાઈ મૃગ,વિશાલ ટ્રેડર્સના દીલીપભાઇ પુરોહીત, રાજેશ ટ્રેડલીંકના દેવેનભાઈ દોશી,રાધીકા એન્ટરપ્રાઈઝના નીમેષભાઈ દેસાઈ,બાલાજી એન્ટરપ્રાઇઝના હસમુખભાઇ દેસાઇ,વર્ધમાન ટ્રેડીંગના વિપુલભાઇ રૂપાણી,કોલેજીયન કલેકશનના ધવલભાઈ વાઘેલા,આદીત્ય શર્ટ પ્રા.લી.ના મુંબઇના એજન્ટ દીપકભાઈ ગોહેલ અને મુંબઇ ઘાટકોપર થ્રી.ડી પ્રોડકટના દીપકભાઇ મળી કુલ 11 વેપારીઓ પાસેથી કુલ રૂ.16,21,282 ના કાપડનો જથ્થાબંધ માલ ખરીદ કરી પૈસા ન ચુકવતા એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પીએસઆઇ બી.એચ.પરમારે તપાસ હાથ ધરી છે.