વેક્સિન વિરોધી રોબર્ટ એફ કેનેડી જુનિયર અમેરિકાના આરોગ્ય મંત્રી
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટ હેઠળના આરોગ્ય અને માનવ સેવા વિભાગના વડા તરીકે રસી વિરોધી ચળવળકાર રોબર્ટ એફ કેનેડી જુનિયરને નામાંકિત કર્યા છે.તેમને દવા, રસી અને ખાદ્ય સુરક્ષા, તબીબી સંશોધન અને સામાજિક સુરક્ષા કાર્યક્રમોની દેખરેખનું કામ સોંપવામાં આવશે.જો કે જાહેર આરોગ્ય પરના તેમના મંતવ્યોને વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ ખતરનાક ગણાવ્યા છે. નોંધનીય છે કે રોબર્ટ ઓફ કેનેડી અમેરિકાના શક્તિશાળી રાજકીય પરિવારની વિરાસત ધરાવે છે. તેઓ ભૂતપૂર્વ પ્રમુખ જહોન એફ કેનેડાના ભત્રીજા અને દિવંગત એટર્ની જનરલ રોબર્ટ કેનેડીના પુત્ર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જાહેર આરોગ્યની વાત આવે ત્યારે ખોટી અને અયોગ્ય માહિતી ફેલાવી છેતરપિંડી કરતા ખાદ્ય ઉત્પાદકો અને દવાની કંપનીઓ અમેરિકનોને કચડતા રહ્યા છે. રોબર્ટ એફ કેનેડી જુનિયર એ ‘ મહામારી’ ને કાબુમાં લઇ અમેરિકાને ફરી મહાન અને તંદુરસ્ત બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પે આરોગ્ય મંત્રી તરીકે નિયુક્ત કરેલા રોબર્ટ એફ કેનેડી જુનિયર, વિશ્વના સૌથી અગ્રણી રસી વિરોધી કાર્યકરોમાંના એક છે. રસીને કારણે ઓટિઝમ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ ઉદભવે છે તેવા દાવાને તેઓ સમર્થન કરે છે. આ વખતે તેઓ રિપબ્લિકન પાર્ટીની આંતરિક ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ ની સામે પડ્યા હતા પણ બાદમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચી ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું.