ચૂંટણી પ્રચારમાં અમિત શાહ આકરા પાણીએ : ‘ઈન્દિરા ગાંધી આવે તો પણ કલમ 370 પાછી નહીં આવે
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ કલમ 370ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના સિંધખેડામાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે કલમ 370 કોઈપણ કિંમતે જમ્મુ અને કાશ્મીરમાં પરત કરવામાં આવશે નહીં. તેમણે આગળ કહ્યું, ‘મહાયુતિનો અર્થ ‘વિકાસ’ અને અઘાડી (મહા વિકાસ આઘાડી)નો અર્થ ‘વિનાશ’ થાય છે. તમારે નક્કી કરવાનું છે કે વિકાસ લાવનારાઓને સત્તા પર લાવવા કે વિનાશ કરનારાઓને.
મનમોહન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો. 2027માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વચનો આપે છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પરત કરવાની વાત કરે છે. પરંતુ ઈન્દિરા ગાંધી ભલે સ્વર્ગમાંથી ઉતરી જાય, તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી આવવાની નથી.
