હવે રાજકોટના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને મળશે ગુણવત્તાલક્ષી દવાઓ : PM મોદીના હસ્તે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા, બિહાર ખાતેથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને વાપી, ચાંદલોડીયા સહિત સમગ્ર ભારતમાં ૧૮ સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. ૧૦.૨૩ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના જનઔષધી કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જનઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે. સસ્તી આરોગ્યસંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન ઔષધી કેન્દ્ર પર ૫૦ થી ૯૦% સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્ર દ્વારા પ્રવાસીઓ અને સામાન્ય જનતાને સુલભતા પ્રદાન કરી જેનેરિક દવાઓ પ્રત્યે જાગૃતિ લાવી પ્રોત્સાહિત કરવામાં આવશે, સાથે જ PMBJKના સંચાલન દ્વારા રોજગાર અને ઉદ્યોગસાહસિક તકોનું સર્જન થશે.
સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ દેશમાં પ્રારંભ થતાં ૧૮ રેલ્વે સ્ટેશન પરના જન ઔષધિ કેન્દ્રોમાં રાજકોટ સ્ટેશનના સમાવેશ અંગે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના તથા જન ઔષધિ કેન્દ્ર યોજના તેમની સંવેદનશીલતાના પ્રમુખ ઉદાહરણ છે. તેમણે જન ઔષધી કેન્દ્ર પરથી મળતી દવાઓ અંગે લોકોની ભ્રમણા દૂર કરતાં ઉમેર્યું હતું કે, જન ઔષધી કેન્દ્ર પરથી મળતી દવાઓ નોન બ્રાન્ડેડ હોવાથી સસ્તી કિંમતે મળે છે તેની ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન કરવામાં આવતું નથી.
સાંસદ રામભાઈ મોકરિયાએ ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષના અભિવાદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્ય માટે સંશોધન કર્યા બાદ તે સંશોધન પર અમલ કરીને નાગરિકો માટે આયુષ્માન કાર્ડ, માતૃવંદના યોજના, નીરામય હેલ્થ કાર્ડ અને જન ઔષધિ સહિતની યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી ખાનગી કંપનીઓની દવાઓ કરતાં વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ મળી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે કહ્યું હતું કે, રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ સમગ્ર દેશના મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.
ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, જન ઔષધિ કેન્દ્રની શરૂઆત રાજકોટ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યું છે. જે સસ્તી અને સારી ગુણવત્તા ધરાવતી હોવાથી રેલવેના મુસાફરોને, રેલવે તંત્ર અને રેલવે સ્ટેશનની આસપાસમાં રહેતા લોકોને ખૂબ ઉપયોગી થશે.
કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોને રોપાઓ અર્પિત કરીને કરવામાં આવ્યો હતો. સર્વે મહાનુભાવોના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રત્યક્ષ રૂપે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડિવિઝન રેલવે મેનેજર અશ્વિની કુમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ રેલવેના પી.આર.ઓ. વિવેક તિવારીએ કર્યું હતુ.
આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટર, રાજકોટ રેલવેના એ.ડી.આર.એમ. કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડી.સી.એમ,સુનીલ કુમાર મીના, ડી.આર.યુ.સી.સી.ના સભ્યો સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.