હિન્દુ અધિકારીઓનું વોટસએપ ગ્રુપ બનાવતા પાણીચું અપાયું
કેરળના બે આઈએએસ અધિકારીઓ સસ્પેન્ડ
કેરળ સરકારે વિવિધ કારણોસર બે આઈએએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. તે પૈકીના એક અધિકારીએ વોટ્સએપ ઉપર હિન્દુ અધિકારીઓનું ગ્રુપ બનાવ્યું હતું તો બીજા અધિકારીએ તેમના ઉપરી અધિકારી સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આક્ષેપો કર્યા હતા.
કેરળના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ ડાયરેક્ટર કે ગોપાલકૃષ્ણને whatsapp ઉપર ‘માલુ હિંદુ ઓફિસર્સ’ નામનું ગ્રુપ બનાવી અનેક અધિકારીઓને તેમાં જોડ્યા હતા. જોકે ગ્રુપ બનતાની સાથે જ મોટાભાગના અધિકારીઓ તેમાંથી નીકળી ગયા હતા. વિવાદ વધતતાં ગોપાલકૃષ્ણને ગ્રુપ ડીલીટ કરી નાખ્યું હતું અને તેમનો ફોન હેક થયા પછી ગ્રુપ બન્યું હોવાનો બચાવ કર્યો હતો. જો કે તેમના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસમાં તેમણે પોતે જ તમામ ડેટા ડીલીટ કરી અને ફોનને ફેક્ટરી સેટિંગ ઉપર મૂકી દીધો હોવાનું ખુલતા તેમને પાણીચું આપી દેવામાં આવ્યું હતું. તેમની સામે ઉચ્ચ સરકારી અધિકારીઓમાં કોમી ધોરણે ભાગલા પડાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
બીજા એક કિસ્સામાં કેરળના એગ્રીકલ્ચર વિભાગના સ્પેશિયલ ડાયરેક્ટર એન પ્રશાંથને એડિશનલ ચીફ સેક્રેટરી એ. જ્યાથીલક સામે જંગે ચડવાનું ભારે પડ્યું હતું. એડિશનલ સેક્રેટરીએ આ અગાઉ પ્રશાંત સામે તેમના કાર્યકાળ દરમિયાનની કેટલીક મહત્વની ફાઈલો ગુમ થયો હોવાનો રિપોર્ટ કર્યો હતો. એ અંગે એક અખબારમાં અહેવાલ છપાયા બાદ પ્રશાંથે facebook ઉપર એડિશનલ ચીફ સેક્રેટરી સામે વળતા આક્ષેપો કર્યા હતા. આ બંને ઘટના આઈએએસ અધિકારીઓના પ્રોટોકોલ વિરુદ્ધનું હોવાનું જણાવી કેરળ સરકારે સસ્પેન્શન સુધીના કડક પગલાં લીધા હતા.
