બોર્ડનું પરિક્ષાકેન્દ્ર ઘરથી નજીક રહેશે: ટૂંક સમયમાં એક્શન પ્લાન આવશે
આ વર્ષે વહેલી પરીક્ષા હોવાથી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ:બિલ્ડીંગ,બ્લોક સહિતની કામગીરી: વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાશે
આગામી ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ટૂંક સમયમાં એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે હાલના પ્રથમ તબક્કામાં પરીક્ષા માટેના કેન્દ્રો, બિલ્ડીંગ અને બ્લોક સહિતના વર્ગીકરણની કામગીરી ચાલી રહી છે.
રાજકોટના ડી ઇ ઓ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં લેવાનારી બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતાં 15 દિવસ વહેલાસર લેવાશે જેને લઈને શિક્ષણ વિભાગની સૂચનાના પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ બિલ્ડીંગ તેમજ બ્લોક સહિતની પરીક્ષા સંબંધિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસમાં આ તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે.
બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને તેના ઘરથી સેન્ટર 12 થી 15 કી. મી.ની ત્રિજ્યામાં અપાશે. જેથી કરીને છેવાડાના વિસ્તારમાં રહેતા અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની લઈને કોઈ અડચણ ઊભી ન થાય.
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની મુખ્ય પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન લેવામાં આવશે, પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અને તેમની માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સિલિંગ કરાવવામાં આવતું હોય છે આ વર્ષે પણ તેની તૈયારીઓ ચાલી રહી છે.
