જય જલિયાણ… જલારામ જયંતીએ જામનગરમાં બન્યો જમ્બો રોટલો : 7X7 ફૂટનો રોટલો પ્રસાદ તરીકે ધરાવાયો
ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. હિંદુ કેલેન્ડરમાં કારતક મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથીએ મનાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા જલારામ બાપાને જમ્બો રોટલો પ્રસાદમાં ધરવામાં આવ્યો છે.

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વખતે પણ જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટ બાય 7 ફૂટનો વિશાળ કદનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો, અને પૂજ્ય જલારામ બાપાને સૌપ્રથમ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો છે.

આ રોટલો બનાવવા માટે અંદાજે દોઢથી બે કલાકનો સમય લાગે છે તથા ચાર બહેનોની મદદથી આ રોટલો તૈયાર કરવામાં આવે છે. તૈયાર થઈ ગયા બાદ આ રોટલાનું વજન 63.99 કિલોગ્રામ થાય છે. આ રોટલાને બનાવવાનું કામ જલારામ મંદિર જીરણોદ્ધાર કમિટી દ્વારા કરવામાં આવે છે. જેઓને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

જલારામ મંદિર હાપામાં રાત્રીના સમયે મહાઆરતી બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક જલારામ ભક્તોને પ્રસાદ રૂપે ભોજનમાં રોટલાની પ્રસાદી પીરસવામાં આવશે.હાપા જલારામ મંદિર સમિતિના રમેશભાઈ દતાણી તથા તેઓની સમગ્ર જલારામ ઉત્સવ સમિતિ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.