46 મુહૂર્ત, 30 હજારથી વધુ લગ્નો: વેપારને મળશે બુસ્ટર ડોઝ
નાણાવટી સાજન માંડવે બેઠું રે…દેવદીવાળીથી ખીલશે લગ્નની ભરપૂર મોસમ
સ્થાનિક વેપારને ‘દિવાળી’ફળી:હવે માર્ચ મહિના સુધી ઠેર ઠેર ગુંજશે લગ્નની શરણાઈ:ગોરમહારાજથી લઈ ગારમેન્ટના વ્યવસાય માટે કમાઉ સિઝન
પ્રથમ ગણેશ બેસાડો….નાણાવટી સાજન માંડવે બેઠું રે…. દેવ દિવાળીથી રાજકોટ તેમજ ગુજરાતભરમાં લગ્નની શરણાઈઓ ગુંજશે. આ વર્ષે વૈશાખ મહિનામાં લગ્ન માટેના એક પણ મુહૂર્ત ન હોવાના લીધે દિવાળી પછી એટલે કે દેવદિવાળીથી શરૂ કરીને માર્ચ મહિના સુધી 46 જેટલા લગ્ન માટેના મુહૂર્ત આવી રહ્યા હોવાથી વિક્રમ સવંત 2081નો લગ્નગાળો વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ વ્યવસાયો માટે બુસ્ટર ડોઝ સાબિત થશે.
આ વર્ષે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 30,000 થી પણ વધુ લગ્નની શરણાઈ ગુંજશે, દીકરી અને દીકરાના પ્રસંગને ધામધૂમથી ઉજવવાના માતા પિતાના કોડ સાથે આ વર્ષે જ્ઞાતિ અને સંસ્થાઓ દ્વારા પણ સમૂહલગ્ન માટેના અનેક આયોજનો હોવાના લીધે લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા તમામ વેપાર ક્ષેત્ર નવયુગલના સંસારનો કંસાર ખાશે.
રાજકોટના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતની દિવાળી સ્થાનિક વેપારીઓ માટે શુભદાયી રહી છે, હવે લગ્ન પ્રસંગ તમામ વેપાર માટે બુસ્ટરડોઝ સમાન રહેશે તેની અમને આશા છે. લગ્ન પ્રસંગ સાથે કૅટર્સના વ્યવસાયકારોની સાથે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ બ્યુટી પાર્લર આ ઉપરાંત વેપારની વાત કરીએ તો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે લગ્નગાળો સૌથી વધારે ફાયદાકારક સાબિત થતો હોય છે.
દિવાળી પછી જેમને ત્યાં પ્રસંગ નિર્ધારેલ હતો તેઓએ સોના ચાંદીના દાગીનાની ખરીદી દિવાળીના તહેવાર દરમિયાન જ કરી દીધી છે. હવે કપડાની ખરીદી શરૂ થશે જેમાં ચિલ્ડ્રન્સ વેઇરથી લઈને વર-કન્યાના વસ્ત્ર પરિધાન જેમકે સાડી, ચણિયાચોળી, પાનેતર,ધરચોળા, ઈન્ડોવેસ્ટર્ન, વરરાજા તેમના પરિવારજનો તેમજ સગાવહાલાઓ શેરવાની,કુર્તા,શૂટ સહિત વસ્ત્ર પરિધાનની ખરીદી કરશે.
સ્થાનિક બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે હવે લગ્નગાળાની સિઝનને લઈને નવી ડિઝાઈન સાથેના કોસ્ચ્યુમ માર્કેટમાં આવી ગયા છે. આ સીઝન છેક માર્ચ મહિના સુધી ચાલશે ત્યારબાદ થોડો બ્રેક આવશે અને ફરીથી વૈશાખ મહિનામાં પણ લગ્ન માટેના સારા મુહૂર્ત હોવાથી ત્યારની ખરીદી શરૂ થઈ જશે. ગત વરસની સરખામણીએ આ વર્ષે 30 ટકાથી વધુ વેપાર થાય તેવી અમને આશા છે.