રાજકોટ જિલ્લા બેન્ક વગર વ્યાજે 2 લાખ ખેડૂતોને 50 હજાર સુધીની ધિરાણ આપશે : ચેરમેન જયેશ રાદડિયાએ કરી જાહેરાત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓગસ્ટ અને ઓક્ટોબર માસમાં વરસાદે કહેર વર્તાવતા ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટની જિલ્લા સહકારી બેંકે સરકારના વિશેષ પેકેજની જેમ જ બેન્કના 2 લાખ સભાસદ ખેડૂતો માટે 1000 કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. ખાસ ધિરાણ અંતર્ગત જિલ્લા બેન્ક ખેડૂતોને વગર વ્યાજે એક વર્ષની મુદત માટે 50 હજાર સુધીની લોન આપશે.
રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડીયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે,ખેડૂતોની બેન્ક એવી જિલ્લા બેન્કે આ વર્ષે ભારે વરસાદ અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોની મુશ્કેલીમાં રાહત આપવા મહત્વનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત બોર્ડ ઓફ ડીરેકટર દ્વારા જિલ્લા બેન્ક સાથે જોડાયેલ રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે 2 લાખ જેટલા ખેડૂતોને હેકટર દીઠ દસ હજાર લેખે મહત્તમ 5 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને વગર વ્યાજે 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.ખેડૂતો માટે વગર વ્યાજે એક વર્ષ સુધી લોન આપવાને કારણે બેંકને 100 કરોડનો બોજ વહન કરવો પડશે તેમ તેમને જણાવ્યું હતું.
વધુમાં ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા બેંકે જાહેર કરેલ વગર વ્યાજના ધિરાણમાં ખેડૂતો પાસેથી કોઈપણ દસ્તાવેજ લેવામાં નહિ આવે કે કોઈ ગેરેન્ટી કે મોર્ગેજ ડોક્યુમેન્ટ વગર જ એક જ મહિનામાં તમામ ખેડૂતોને લોન મંજુર કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે જાહેર કરેલા પેકેજને પણ તેઓએ આવકારી ઓક્ટોબર માસમાં થયેલા વરસાદમાં ખેડૂતોને નુકશાન મામલે સરકાર પેકેજ જાહેર કરનાર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. હાલ તુરત જિલ્લા બેન્કના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમની ગ્રામ્ય સ્તરની સહકારી મંડળીનો સંપર્ક કરવાનો રહેશે.