500 વર્ષ પછી પહેલી વાર રામ લલા તેમના મંદિરમાં દિવાળી ઉજવશે : મોદી
સરયૂ કાંઠાના ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભગવાન શ્રી રામના બાળ અવતાર રામ લાલા 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળીઉજવશે. તેથી જ આ વખતે દિવાળી ખાસ છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે ભાગ્યશાળી છીએ.
આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે.. અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે .
રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે. તેમણે કહ્યું કે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરની ઇમારતના પરિસરમાં ખાસ મીણના દીવા પ્રગટાવવામાં આવશે, જેનાથી ન્યૂનતમ કાર્બન ઉત્સર્જન થશે.