ફટાકડાને કારણે મંદિરમાં વિકરાળઆગ: 150 ઘાયલ: 10 ગંભીર
કેરાળના કસારગોડ શહેરના એક મંદિરમાં ઉત્સવની ઉજવણીના ભાગરૂપે કરાયેલા આતશબાજી દરમિયાન ભયંકર આગ ફાટી નીકળતા 150 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી 10 ની હાલત ગંભીર માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગત અનુસાર કાસારગોડના અંજુતાંબલમ વિરાર કાવુ મંદિરમાં કલિયટ્ટમ ઉત્સવની ઉમંગભેર ઉજવણી થઈ રહી હતી. એ દરમિયાન લોકો આતશબાજીની મજા માણી રહ્યા હતા ત્યારે એક ફટાકડો મંદિર પરિસર ને અડીને જ આવેલ ફટાકડા ભંડાર ઉપર ખાબકતા આગ ભભૂકી ઉઠી હતી અને ઘડીભરમાં તો આખું મંદિર પરિસર વિનાશક આગમાં લપેટાઈ ગયું હતું. અગન જ્વાળાઓ અને ધુમાડા વચ્ચે ફસાયેલા લોકોએ ભાગવા માટે પડાપડી કરતા અંધાધુંધી દ્રશ્યો સર્જાયા હતા.
નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર મંદિર પરિસરમાં પગ પણ ન મૂકી શકાય તેટલી ભીડ હતી. આગ ફાટી નીકળતા થયેલી નાસભાગમાં અનેક લોકો જમીન ઉપર પડી ગયા હતા. બનાવની જાણ થતા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ફાયર ફાઈટર્સ,પોલીસકાફલો અને એમ્બ્યુલન્સલો ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્રના જણાવ્યા મુજબ 150 લોકો ઘાયલ થયા હતા.તેમને કસારગોડ. કનૌર અને મેંગલુરૂની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ આ બનાવ અંગે ટેમ્પલ કમિટીના આઠ સભ્યો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.