દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ જ ફટાકડા ફોડી શકાશે: પોલીસનું જાહેરનામું !
જેનો પ્રેક્ટિકલ અમલ' શક્ય જ નથી છતાં ઔપચારિક્તા પૂર્ણ કરવા કાગળ પ્રસિદ્ધ
ઘોંઘાટયુક્ત તેમજ લર ફોડવાની મનાઈ, પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રહેશે:છાકટા’ બનીને ફટાકડા ફોડનારાની દિવાળી લોકઅપમાં જશે
રસ્તો બાનમાં લેનારા લુખ્ખાઓની ખો ભૂલાવી દેવાશે
દિવાળી આડે હવે ચાર દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ભારે ધૂમધડાકા સાથે ફટાકડા ફૂટવાના છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ફટાકડા ફોડવાના સમયને લઈને સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ વર્ષે લોકો રાત્રે બે કલાક સુધી જ મતલબ કે આઠથી દસ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત અન્ય નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે જેનું પાલન નહીં કરનારા લોકો સામે ગુન્હા નોંધવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે કે રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાનો નિયમ પ્રેક્ટિકલી કોઈ રીતે શક્ય નથી કેમ કે મહત્તમ પરિવારો રાત્રે ૧૦ વાગ્યા બાદ જ ફટાકડા ફોડવાનો આગ્રહ રાખતા હોય છે. દર વર્ષે દિવાળી પર આખી રાત ફટાકડા ફૂટતા હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તે પણ વાસ્તવિક્તા છે !
પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ હોય તે જ વ્યક્તિ કરી શકશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની ખરીદી તેમજ વેચાણ બન્ને ગુન્હાને પાત્ર ગણવામાં આવશે સાથે સાથે ઓનલાઈન ફટાકડાની ખરીદી તેમજ વેચાણ કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ફટાકડા રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફોડી શકાશે.
આ સિવાય ફટાકડાની લર ફોડવાની મનાઈ ફરમાવાઈ છે તો ઉંચા અવાજવાળા ફટાકડા પણ ફોડી શકાશે નહીં. કોઈ પ્રકારનો નશો કરીને ફટાકડા ફોડનારા છાકટા તત્ત્વો સામે આકરાં હાથે કાર્યવાહી કરવામાં આવશે.
ફટાકડાના તમામ ધંધાર્થીઓને હંગામી લાયસન્સ આપી દેવાયા: ડીસીપી
ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં આ વર્ષે ૪૦૮ સ્થળે નાના-મોટા ફટાકડાના સ્ટોલ છે ત્યારે તમામને નિયમોને આધીન હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે. આ તમામને ફાયર એનઓસી ઈશ્યુ થયા બાદ લાગુ પોલીસ મથક દ્વારા સ્થળ ચકાસણી તેમજ દરેક પ્રકારના કાગળોની પૂર્તતા કર્યા બાદ હંગામી લાયસન્સ ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય લાયસન્સ વગર ધંધો કરનારા ધંધાર્થી સામે ચેકિંગ કરી તેમની સામે ગુન્હો નોંધવામાં આવશે.
