આરોગ્ય શાખાનું સર્વર હાંફી ગયું: જન્મ-મરણનો દાખલો કઢાવનારા રઝળ્યા
સવારે ૧૧થી લઈ બપોરે ૨:૩૦ સુધી કામગીરી ઠપ્પ, ત્યારબાદ ધક્કાગાડીની જેમ કામ શરૂ થયું: ૭૦થી વધુ અરજદારોને થયો `ફોગટફેરો’
મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં જન્મ-મરણનો દાખલો કઢાવવા માટે અરજદાર આવતા હોય છે. આ દાખલો આરોગ્ય શાખામાં નીકળતો હોય ત્યાં સવારથી લઈ બપોરે ૪:૩૦ વાગ્યા સુધીમાં લાઈન ઓછી થવાનું નામ જ લેતી હોતી નથી. આ બધાની વચ્ચે શુક્રવારે આરોગ્ય શાખામાં સરકાર દ્વારા સંચાલિત જી-સ્વાન સર્વર હાંફી જતાં દાખલો કઢાવવા આવનારા અનેક અરજદારો રીતસરના રઝળી પડ્યા હતા.
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ૧૧ વાગ્યાથી રાજકોટ સહિત આખા ગુજરાતમાં કાર્યરત સર્વરમાં ખામી સર્જાતાં કામગીરી ખોરંભે ચડી જવા પામી હતી. આ સમસ્યા બપોરે ૨:૩૦ વાગ્યા સુધી યથાવત રહેતાં ૭૦થી ૮૦ જેટલા અરજદારો દાખલો કઢાવ્યા વગર પરત ફર્યા હતા. આ પછી ૨:૩૦ વાગ્યા બાદ સર્વર ધીમે ધીમે શરૂ થયું હોવાથી રાબેતા મુજબ કરતાં ઓછી ઝડપે દાખલો નીકળી રહ્યો હતો જેના કારણે અરજદારોને ખાસ્સો સમય રાહ જોવી પડી હતી.
સર્વર ડાઉન થતાં જ મહાપાલિકા દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ સમસ્યા આખા ગુજરાતમાં ઉભી થઈ હોવાને કારણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ રાહ જોવાને કારણે અરજદારોમાં દેકારો બોલી જવા પામ્યો હતો.