ધાર્મિક દબાણો તોડવા બાબતે હળવા’ રહો: મુકેશ દોશી, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામ કરવું પડશે: કમિશનર
૧૨૦૦થી વધુ ધાર્મિક દબાણોનું ડિમોલિશન કરવાની બીજી વખત નોટિસ અપાતાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, સ્ટે.ચેરમેન મ્યુ.કમિશનર પાસે દોડ્યા
દિવાળી દરમિયાન એક પણ બાંધકામ સામે કાર્યવાહી ન કરવાની માંગણી ગ્રાહ્ય રખાઈ
રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા તેમજ પોલીસ વિભાગમાંથી અધિકારીઓની રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી. આ પછી નવા આવેલા અધિકારીઓ પરથી જાણે કે પદાધિકારીઓની પકડ ઢીલી પડી ગઈ હોય તેવી રીતે એક બાદ એક રજૂઆત કરવા માટે
રૂબરૂ’ રજૂઆત કરવા માટે જવું પડી રહ્યું છે. થોડા દિવસ પહેલાં ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના વેપારીઓ માટે બબ્બે ધારાસભ્યો તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુ.કમિશનર પાસે રજૂઆત કરવા માટે ગયા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય અને સ્ટે.કમિટી ચેરમેન ધાર્મિક દબાણો સામે તંત્ર હળવું' રહે તેવી રજૂઆત સાથે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે ધાર્મિક દબાણો તોડવા માટે તંત્રએ
હળવું’ રહેવું જોઈએ જેના પ્રત્યુત્તરમાં મ્યુ.કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટનો ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે સ્પષ્ટ આદેશ હોવાથી તે પ્રમાણે કાર્યવાહી કરવી જ પડશે. સરળ શબ્દોમાં કહીએ તો મ્યુ.કમિશનર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે જ તેવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. આ પછી પદાધિકારીઓ દ્વારા દિવાળી સુધી એક પણ મંદિર કે મસ્જિદ ભલે પછી તે નડતરરૂપ હોય કે ન હોય તેને ન તોડવા આગ્રહ રખાયો હતો જેને માન્ય રાખવામાં આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ સાથે રહીને સૂર પૂરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં મહાપાલિકા દ્વારા ૧૨૦૦થી વધુ મંદિર અને મસ્જિદ કે જેનું બાંધકામ ગેરકાયદેસર અથવા તો નડતરરૂપ છે તેને હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ અપાયા બાદ હવે નવેસરથી નોટિસ ફટકારવામાં આવતાં જ લોકો દ્વારા પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. એકંદરે રજૂઆતોમાં વધારો થઈ જતાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિતનાએ મ્યુ.કમિશનરની ચેમ્બર તરફ દોટ મુકી હતી.