બિહાર ભાજપના સાંસદની ખુલ્લી ચેતવણીઅરારિયામાં રહેવું હોય તો હિન્દુ બનવું પડશે
બિહારમાં અરારીયા બેઠકના ભાજપના સાંસદ પ્રદીપ કુમાર સિંઘે અરારિયા માં રહેવું હોય તો હિન્દુ બનવું પડશે તેવી ધમકી આપતાં વિવાદ થયો છે. નોંધનીય છે કે લોકસભાની એ બેઠક ઉપર મુસ્લિમોની સંખ્યા 40 ટકા કરતા વધારે છે.
બિહારમાં કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંઘ દ્વારા આયોજિત હિંદુ સ્વાભિમાન યાત્રા દરમિયાન ઠાકુરવાડી મંદિરમાં ભાષણ કરતી વેળાએ પ્રદીપ કુમાર સિંઘે આ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે તમને તમારી જાતને હિન્દુ કહેવામાં શરમ શું છે? જો કોઈને અરારીયા માં રહેવું હોય તો તેણે હિન્દુ બનવું પડશે. આગળ ઉપર એમણે કહ્યું કે જો તમારે તમારી પુત્રી કે પુત્રને પરણાવાના હોય તો તમારી જ્ઞાતિમાંથી યોગ્ય પાત્ર શોધજો પણ જ્યારે એકતાની વાત આવે ત્યારે સૌ પ્રથમ હિન્દુ બનજો. તેમણે આ વક્તવ્ય આપ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહ પણ મંચ ઉપર ઉપસ્થિત હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીરીરાજ સિંઘ દ્વારા આયોજિત આ યાત્રા સાથે ભાજપે દૂરી બનાવી છે અને એ યાત્રા ભાજપની ન હોવાનો બચાવ કર્યો છે. જોકે પ્રદીપ કુમાર સિંઘે કરેલા ભડકામણા નિવેદન બાદ બિહારમાં ભાજપના સાથી પક્ષ જનતા દળ ની હાલત કફોડી થઈ છે. જેડીયુ ના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ચોક્કસ ધર્મના લોકો જ રહી શકે તેવું કઈ રીતે કહી શકાય? આરજેડીના નેતા તેજસ્વી યાદવે ભાજપના સાંસદના નિવેદન સાથે નીતિશકુમાર સહમત છે કે નહીં તેનો જવાબ માગ્યો હતો. સ્વાભિમાન યાત્રા અને આવા નિવેદનો દ્વારા ભારતીય જનતા પક્ષ બિહારમાં કોમી ઉશ્કેરણી કરી રમખાણો ફેલાવવા માંગતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જોકે આ ટીકાઓથી જરા પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા કુંતલ ક્રિષ્નાએ સાંસદ પ્રદીપ કુમાર સિંઘના આ નિવેદન દ્વારા આ વિસ્તારોમાં આતંક ફેલાવવા માંગતા તત્વોને જવાબ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
