ભારતની એક જ વાત : યુધ્ધ નહીં, સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન
બ્રિક્સ શિખર બેઠક માટે રશિયાના કઝાન પહોંચેલા વડાપ્રધાને રશિયાના પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ફરી યુધ્ધ રોકવાનો કર્યો
આગ્રહ: ભારત શાંતિ અને સ્થિરતા માટે દરેક સંભવ સહાયતા માટે તત્પર: કઝાનમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત: પુતિને ગળે લગાવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે રશિયાના કઝાનમાં યોજાયલ બ્રિક્સ શીખર સંમેલનમાં ચીન સહિતના દેશો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ હાજરી રંગ લાવી છે અને ફરીવાર વડાપ્રધાને શીખર બેઠક પહેલાં ભારતના વલણનું પુનરોચ્ચાર કરીને કહ્યું હતું કે, ભારત યુધ્ધના બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાના સમાધાનની તરફેણ કરે છે. મંગળવારે રશિયાની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીનું કઝાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રશિયાના પ્રમુખ પુતિન સાથે વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય બેઠક કરી હતી અને તેમાં મોદીએ કહ્યું હતું કે, કઝાન શહેર સાથે ભારતના ઉંડા અને ઐતિહાસિક સંબંધ છે. અહીં ભારતનું કોન્સ્યુલેટ ખૂલવાથી સંબંધો વધુ મજબૂત થશે. પાછલા ત્રણ માસમાં મારી આ બીજી વખત રશિયાની યાત્રા છે.
વડાપ્રધાને યુધ્ધ રોકવાનો પરોક્ષ આગ્રહ ફરીવાર કરીને કહ્યું હતું કે, કોઈપણ સમસ્યાનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના વિષય પર અમે રશિયા સાથે સતત સંપર્કમાં છીએ. ભારત શાંતિ અને સ્થિરતાની બહાલી માટે હંમેશા પોતાનો ટેકો આપે છે. અમારા બધા જ પ્રયાસ માનવતાને પ્રાથમિકતા આપે છે. શાંતિ અને સ્થિરતા માટે ભારત દરેક સંભવ સહયોગ કરવા તત્પર છે.
કઝાન પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નૃત્યુ અને કૃષ્ણ ભજન સાથે તેમજ મોદી-મોદીના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીય સમૂદાય એમના અભિવાદન માટે ઉમટી પડ્યો હતો. વડાપ્રધાને ભારતીયો સાથે હસ્તધૂનન પણ કર્યું હતું.
બ્રિક્સ કરન્સી મુદ્દે ચર્ચા થઇ શકે છે
અમેરિકી ડોલરના આધિપત્યને પડકાર ફેંકશે?
જો બ્રિક્સ દેશો પોતાનું ચલણ બનાવે તો તે યુએસ ડોલરની સર્વોપરિતાને મોટો ફટકો આપી શકે છે. ઘણા દેશો માને છે કે અમેરિકા અને તેના શક્તિશાળી ચલણ ડોલર સામે મોટો પડકાર ત્યારે જ આપી શકાય જ્યારે અમેરિકાની આર્થિક તાકાત પર હુમલો કરવામાં આવે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોમાં ૬૦ ટકા વિદેશી મુદ્રા ભંડાર ડોલરના રૂપમાં હાજર છે. બ્રિક્સ શિખર બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે તેવી સંભાવના છે. ૨૦૨૩ મા મળેલા બ્રિક્સ સંમેલનમાં આ મુદ્દે પ્રસ્તાવ મુકાયો હતો.
ભારત સાથેના સંબંધો ઐતિહાસિક: રશિયન પ્રમુખ વ્લાદીમિર પુતિન
વડાપ્રધાન મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિને વડાપ્રધાનને ગણે વળગાવીને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, ભારત સાથે રશિયાના સંબંધો ઐતિહાસિક છે અને આગામી દિવસોમાં આ સંબંધો વધુ મજબૂત બનવાના છે. બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર હજુ પણ વિસ્તૃત બનવાનો છે. ભારત અને રશિયા સમાન વિચારશરણી ધરાવતા દેશો છે. એમણે વડાપ્રધાન મોદીનો અહીં આવવા બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો અને વડાપ્રધાને એમ કહીને હસાવ્યા હતા કે, આપણી વચ્ચેની નિકટતા તો એટલી છે કે ટ્રાન્સલેશનની આપણને જરૂર નથી.