ખાલિસ્તાનની ચળવળનો ઇતિહાસ : કેનેડાની સંડોવણી-ભારતની પજવણી
ખાલિસ્તાન નામના અલગ દેશ રચના કરવાની માંગ ધરાવતી ચળવળ ભારતના સાર્વભૌમત્વ ઉપર સીધી તરાપ છે. ભારતના બંધારણ સામે જ સીધો હુમલો કરતું 1980 નું ખાલિસ્તાની સમર્થકોનું હિંસક આક્રમણ ભારત હજુ સુધી ભૂલ્યું નથી. છેલ્લા ઘણા વર્ષોથી ભારતે કેનેડા પ્રત્યે એક ચોક્કસ બાબતે નારાજગી વ્યક્ત કરી છે અને તે બાબત છે કેનેડાનું ખાલિસ્તાન તરફી કુણું વલણ. કારણ કે ખાલિસ્તાનને ફંડ આપતા ઘણા જૂથો કેનેડાની ધરતી ઉપર છે અને કેનેડા એ બાબત વિશે જાણતું હોવા છતાં તેને છાવર્યા કરે છે. હવે તો ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો અભૂતપૂર્વ રીતે બગડી ગયા છે. કેનેડાએ ભારત ઉપર સીધો આરોપ મૂક્યો કે ખાલિસ્તાની સમર્થક એવા કેનેડિયન નાગરિક હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે. ભારતે આરોપ નકારી કાઢ્યો અને બંને દેશોના રાજદૂતો પોતપોતાના દેશ પરત ફર્યા. આજ સુધી સંબંધોની આવી ગગડેલી સ્થિતિ ભારતને કેનેડા સાથે થઈ નથી.
ખાલિસ્તાની ચળવળ એ પહેલેથી અલગતાવાદી ચળવળ રહી છે જે શીખો માટે અલગ દેશની માંગણી કરે છે. ખાલિસ્તાન એટલે ખાલસા લોકોની ધરતી જ્યાં નરી શુદ્ધતા અને પવિત્રતા હોય. આવી પવિત્ર ભૂમિ માટે અમૃતસરના સુવર્ણ મંદિરના પવિત્ર સ્થળમાં પણ લોહી વહ્યું છે. મુગલ કાળ દરમિયાન શીખ સંપ્રદાયની સ્થાપના થઇ. ગુરુ ગોવિંદ સિંહે 1699 માં ખાલસા ઓર્ડર સ્થાપ્યો. શીખો સ્વતંત્રતાથી રહી શકવા જોઈએ અને પોતાની ધરતી ઉપર બધા શીખો નિર્ભય રહેવા જોઈએ. આ હેતુ હતો. ભારતને આઝાદી મળી ત્યારે અમુક અલગાવવાદી શીખોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુસ્લિમોના અલગ પાકિસ્તાનની જેમ અલગ ખાલિસ્તાનની માંગણી કરી હતી. તે સમયે તો ખાસ કોઈએ આ વાતને મહત્વ આપ્યું નહિ.
તો પછી પણ અલગ દેશની મુહિમ ચાલુ જ રહી. 1970 ના દશક પછી આ ચળવળે વેગ પકડ્યો. કારણ કે ભિંદરાનવાલેએ શીખ નવયુવાનોને મોહિત કર્યા હતા. ઘણા શીખોને એવું લાગ્યું કે તેઓ આર્થિક રીતે પાછળ રહી ગયા છે અને સરકાર શીખ સમુદાય સાથે અન્યાય કરી રહી છે. પંજાબની સતલજ નદીમાંથી હરિયાણા અને રાજસ્થાનને પાણી પહોંચવા માંડ્યું એ પણ શીખોની નારાજગીનું મોટું કારણ બન્યું. આ બધી નારાજગીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. પરિણામ સ્વરૂપ ભારતે ઓપરેશન બ્લ્યુ સ્ટાર પાર પાડવું પડ્યું. છેવટે ભારતના એ સમયના વડાપ્રધાનની હત્યા પણ થઈ. તેના પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા. તે સમય દરમિયાન ઘણા શીખો કેનેડા, અમેરીકા અને બ્રિટન પહોંચી ગયા. ભારતના ખાલિસ્તાન ચળવળ ધીમી પડી ગઈ પણ કેનેડામાં વસતા શીખોએ તેનું વેગમાન વધાર્યું.
શીખ ડાયસ્પોરાની સૌથી મોટી તાદાદ કેનેડામાં છે. આઠેક લાખ જેટલા શીખો કેનેડામાં રહે છે. 1984 ના રમખાણમાં કેનેડા પહોંચી ગયેલા ઘણા શીખો માટે કેનેડાએ તે સમયે લાલ જાજમ બિછાવી હતી. જેમ યહૂદીઓ અમેરીકાની સરકાર માટે મોટી વોટ બેંક છે એમ જ શીખોને કેનેડાની સરકારની તરફેણમાં લેવા માટે સમજી હિચરીને સ્ટ્રેટેજી અપનાવવામાં આવી. 1985 માં એર ઇન્ડિયા ફલાઇટ 182 ઉડાવી નાખનાર પણ કેનેડામાં વસતા અંતિમવાદી શીખો હતા. 329 લોકો માર્યા ગયા હતા.
ભારતે કેનેડાની બધી સરકારોને સતત વિનંતી કરી અને ખાલિસ્તાની ચળવળ ચલાવતા હિંસક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાનું કહ્યું. તાજેતરમાં ટ્રુડોની સરકાર ખાલીસ્તાની સમર્થકોને પ્રોત્સાહન આપે છે. 2018 માં જસ્ટિન ટ્રુડોએ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે વિવાદ થયો હતો. એક ભૂતપૂર્વ ખાલિસ્તાની આરોપીને કેનેડિયન હાઈ કમિશને ડિનર ઉપર બોલાવ્યો હતો.
ટ્રુડો ચૂંટણી જીતવા માટે કેનેડાના કોઈ મોટા વર્ગને નારાજ કરી શકે એમ નથી. માટે તે હિંસક જૂથો વિરુદ્ધ ગળું ખોંખારીને બોલવાના નથી. આમ પણ ટ્રુડોની લોકપ્રિયતા ઘટી રહી છે. કેનેડાની લિબરલ પાર્ટીનો આધાર ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના સહકાર ઉપર છે જેનું નેતૃત્વ જગમિત સિંઘ કરે છે. તે માણસ અલગાવ વાદી ચળવળ સાથે સીધો જોડાયેલો છે. ભારતમાં અત્યારે એવી કોઈ ચળવળનું અસ્તિત્વ ખાસ રહ્યું નહી તો કેનેડાની ધરતી તે ચળવળનું કેન્દ્ર બન્યું છે. ભારત માટે ખાલિસ્તાનનો મુદ્દો માત્ર રાજકીય નથી પણ તે દેશની સુરક્ષા અને સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો થાય છે.
ભારત માટે ખાલિસ્તાનની ચળવળ સરહદી સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. પણ હવે વિદેશની ધરતી ઉપર બેઠા બેઠા ભારત વિરુદ્ધ ષડયંત્રો થાય છે. ભારતને અસ્થિર કરવા માટે વિદેશની ભૂમિ ઉપરથી પૈસાનું રોકાણ થાય છે. ભારતીય અધિકારીઓને બીક છે કે ભૂતકાળ જેવું કોઈ મેજર હિંસક ઓપરેશન ન કરવું પડે ક્યાંક.
કેનેડામાં અલગાવવાદી શીખોના અલગ અલગ ગૃપ બનતા હોય છે. જેમ કે શીખ ફોર જસ્ટિસ. આવા ગ્રુપો હિંસક હોય છે અને તેના લીધે ભારતની ચિંતા વધે છે. આવા જૂથ હિંસાને સમર્થન આપતા હોય છે, ભારતીય અધિકારીઓને નિશાન બનાવતા હોય છે અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી કરતા હોય છે. વધુમાં કેનેડામાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થતી હોય છે. ટોરન્ટોમાં 2022 માં ગાંધીજીના સ્ટેચ્યુ સાથે પણ કોઈએ છેડખાની કરી હતી.
શીખો તેની દેશભક્તિ માટે જાણીતા છે. શીખ સમુદાય આ દેશનો અનન્ય ભાગ છે. શીખો ભારતની ઓળખ છે. શીખોએ આ દેશ માટે લોહી વહાવ્યું છે. શીખ સમુદાય ખૂબ આદરને પાત્ર છે. પણ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જે બગડ્યા છે એમાં અમુક બીજા હિંસક તત્વો કારણભૂત છે.