શેઈમ શેઈમ: અમદાવાદમાં ૬ અને ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મ
ગુજરાતમાં હેવાનિયતનો અંત આવવાનું નામ નથી લેતો: ખાખીની શાખ પર સવાલ
દાણીલીમડા અને સરદાનગરમાં બાળકીના દેહ ચૂંથનારા રાક્ષસો પકડાયા
ગુજરાતમાં દુષ્કર્મના બનાવો અટકવાનું નામ જ લઈ રહ્યા ન હોય તેમ દરરોજ કોઈને કોઈ શહેર કે ગામડામાં સગીરાઓ તેમજ યુવતીઓનું શિયળ લૂંટાઈ રહ્યું છે. સુરત, વડોદરા બાદ હવે અમદાવાદમાં બબ્બે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના બનતાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદમાં જાણે કે બાળકીઓ કે યુવતીઓ સલામત જ ન હોય તેવી રીતે દરરોજ છેડતી અને દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.
દરમિયાન દાણી લીમડામાં રહેતી ૬ વર્ષની સગીરા અને સરદારનગરમાં ૧૨ વર્ષની સગીરાને હવસના રાક્ષસોએ પોતાનો શિકાર બનાવ્યાની ફરિયાદ નોંધાતાં જ પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. દાણીલીમડામાં છ વર્ષની બાળકી પર હસન શેખ નામના રાક્ષસે તો સરદારનગરની સગીરાને વિક્રમ ઠાકોરે પોતાનો શિકાર બનાવતાંનું ધ્યાન પર આવતાં જ પોલીસે બન્ને સામે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદાની આગવી પરિભાષામાં કાર્યવાહી કરી હતી.