ટીમ ઈન્ડિયાનું `ઘર’માં ન્યુઝીલેન્ડ સામે શરમજનક સરન્ડર
૪૬ રનમાં આખી ટીમ પેવેલિયનમાં: પહેલી વખત ભારતમાં આટલા ઓછા સ્કોરે થયા આઉટ
પાંચ બેટર તો ખાતું પણ ન ખોલાવી શક્યા: ટીમ ઈન્ડિયાનો ત્રીજો સૌથી નાનો સ્કોર નોંધાયો
ભારતીય બેટર્સે બેંગ્લુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે અત્યંત ખરાબ રીતે સરન્ડર કરી દેતાં ક્રિકેટરસિકોને જબરો આંચકો લાગ્યો હતો. આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં આખી ટીમ ૪૬ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આ ટીમ ઈન્ડિયાનો ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સૌથી નાનો સ્કોર છે. ભારતના પાંચ બેટર્સ તો ખાતું પણ ખોલાવી શક્યા ન્હોતા. ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ પાંચ વિકેટ, વિલિયમ ઓરુકે ચાર અને ટીમ સાઉધીએ એક વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતે આ મેચમાં ટોસ જીતી પહેલાં બેટિંગ પસંદ કરી હતી જે નિર્ણય એકદમ ઉલટો પડ્યો હતો. ન્યુઝીલેન્ડના બોલરોએ પીચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ સાથે જ ભારતે સંયુક્ત રીતે ત્રીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો.
ભારતનો સૌથી નાનો સ્કોર ૩૬ રન છે જે ઑસ્ટે્રલિયામાં ૨૦૨૦માં રમાયેલા મેચમાં બન્યો હતો. આ ઉપરાંત બીજો સૌથી નાનો સ્કોર ૪૨ રનનો છે જે ૧૯૭૪માં તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં બનાવ્યો હતો.
હવે ત્રીજી વખત ૪૬ રને ઓલઆઉટ થઈ છે ત્યારે એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ઘરઆંગણે મતલબ કે ભારતમાં ટીમની આવી હાલત પહેલી વખત થઈ છે. ટીમ ઈન્ડિયાનો ભારતીય ધરતી પર સૌથી ઓછો સ્કોર ૭૫ રન હતો. ૧૯૮૭માં વેસ્ટ ઈન્ડિઝે દિલ્હીમાં ભારતને ૭૫ રને આઉટ કર્યું હતું. ભારતના પાંચ બેટર કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યા ન્હોતા.