વાયુસેના અને આર્મીમાં ફરજ બજાવતા યુગલનો અલગ અલગ સ્થળે આપઘાત
એક અત્યંત આઘાતજનક ઘટનામાં ઇન્ડિયન એરફોર્સના ફ્લાઈટ લેફ્ટનન્ટ અને આર્મીમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા તેમના પત્નીએ એક જ દિવસમાં અલગ અલગ સ્થળે આપઘાત કરી લીધા હતા. પતિના મૃત્યુ બાદ આપઘાત કરનાર પત્નીએ બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવાની અંતિમ લાગણી સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રાજસ્થાનના નાલંદા જિલ્લાના દિન દયાલ દીપ (ઉ. વર્ષ 32 ) આગ્રાના એર ફોર્સ સ્ટેશન ખાતે ફ્લાઇટ લેફ્ટેનન્ટ તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે સવારે આગ્રા ખાતેના તેમના ક્વાર્ટરમાંથી તેમનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. દિવસે તેમના પત્ની કેપ્ટન રેણુ તંવર આગ્રામાં જ આર્મી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. પતિના મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેમનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ દિલ્હીની કેન્ટોનમેન્ટ મેસ માંથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના કેપ્ટન રેણુકા તેમના ભાઈ સુમિત કુમાર અને માતા કૌશલ્યા સાથે માતાની તબીબી સારવાર માટે દિલ્હી આવ્યા હતા. તેમણે આત્મહત્યા કરી ત્યારે માતા અને ભાઈ એઇમ્સ હોસ્પિટલ ખાતે હતા. કેપ્ટન રેણુ તંવર ના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં તેમણે તેમના અંતિમ સંસ્કાર પતિની સાથે જ કરવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી.