સાગઠીયાનો જેલવાસ લંબાયો: અપ્રમાણસર મિલકતના કેસમાં પણ કોર્ટે જામીન અરજી ફગાવી
જેલ હવાલે રહેલ મનપાના પૂર્વ ટીપીઓ બે દિવસમાં બે ઝટકા લાગ્યા છે. બે દિવસ અગાઉ અગ્નિકાંડ કેસમાં અદાલતે જામીન અરજી ફગાવ્યા બાદ ગઈકાલે મોડી સાંજે એસીબી દ્વારા દાખલ કરેલ અપ્રમાણસર મિલ્કતના કેસમાં પણ જામીન અરજી રદ કરી હતી. જેલમુક્તિની આશાએ બેઠેલા સાગઠીયાની આશા છીનવાઈ ગઈ હતી.
ટીઆરપી ગેઇમઝોનમાં લાગેલી આગની ઘટનામાં ૨૮ લોકોનો મોત નિપજ્યા હતા ત્યારે બનાવના પાંચમા દિવસે પોલીસે કલાકોની પૂછપરછ બાદ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એસીબી પણ મેદાને આવીને સાગઠીયા વિરૂદ્ધ અપ્રમાણસર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસ બાદ કોર્ટમાં આ અંગે ૮૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં ૨૮ કરોડથી પણ વધુની સંપત્તિ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં જેલ હવાલે રહેલા સાગઠીયા પોતાના વકીલ મારફત જામીન અરજી મૂકી હતી.
જે જામીન અરજીમાં સાગઠીયા વતી રજૂઆત કરવામાં આવી હતી કે, એસીબી દ્વારા જે મિલ્કતની ગળતરી કરવામાં આવી છે. તે ૨૦૧૨ પછીની મિલ્કત છે તેના આગાઉની મિલ્કત અંગે કોઈ નોંધ લેવામાં આવી નથી , ફકત ડોક્યુમેન્ટરી એવિડન્સ ના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથો સાથ ૨ૠ સ્પેટ્રમ કૌભાંડ અંગેનું જજમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેની સામે સરકારી વકીલ દ્વારા ૨૦૧૨ પહેલાંની મિલ્કતની ગણતરી કરવામાં ન આવી હોય તો તેનું બિલ રજૂ કરવા જાણવા સહિતની દલીલો કરવામાં આવી હતી.
બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે સુનાવણીના એક દિવસ બાદ અપ્રમાણસર મિલ્કત કેસમાં આરોપી મનસુખ સાગઠીયાએ કરેલી જામીન અરજી રદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે બંને કેસમાં સેશન્સ કોર્ટ મારફતે જામીન અરજી રદ થયા બાદ સાગઠીયાને જેલમુક્ત થવા માટે ફરજિયાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે.