લાંચ આપીને કામ કરાવવાના બદલે લાંચિયાની ફરિયાદ કરો: ‘બધું’ પતી જશે
સીબીઆઈ-એસીબીના ડીવાયએસપી રામપ્રસાદ અને પીઆઈ નિરજ મલિકે વેપારીઓને આપીસમજણ’
ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ રહ્યા હાજર
લાંચ માંગનારને ૯૦ દિવસ સુધી જેલમાં રહેવું પડશે સાથે સાથે જ્યાંથી પકડાયો હશે ત્યાં પોસ્ટીંગ નહીં અપાય અને ફરિયાદીનું અટકેલું કામ પણ પતાવી દેવાશે
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક લાંચિયા અધિકારીઓ એસીબીના હાથે પકડાઈ રહ્યા છે. આ ઉપરાંત સીબીઆઈ દ્વારા પણ ગુજરાતમાં અનેક સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સીબીઆઈ અને એસીબીના નામે નકલી અધિકારી બનીને વેપારીઓ તેમજ સામાન્ય લોકોને છેતરવામાં આવી રહ્યાના કિસ્સા પ્રકાશમાં આવતાં જ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે એક મહત્ત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ સીબીઆઈ-એસીબી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે `એન્ટી કરપ્શન એક્ટિવિટિઝ’ અંગે જાહેર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સીબીઆઈ-એસીબીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રામપ્રસાદ તેમજ પીઆઈ નીરજ મલિક ઉપસ્થિત રહ્યા હતા.
આ અધિકારીઓએ સંબોધન કરતાં કહ્યું કે બે મહિનાથી વિભાગ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને એ ખબર જ નથી કે સીબીઆઈ-એસીબી કેવી રીતે કામ કરી રહ્યું છે ! આ બ્રાન્ચના નકલી અધિકારીઓ બની ફોન કરીને લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે ત્યારે સીબીઆઈ-એસીબીની ગુજરાતમાં માત્ર ગાંધીનગર ખાતે જ બ્રાન્ચ છે એટલે કોમ્યુનિકેશન કરતા પહેલાં તકેદારી રાખવી જોઈએ. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે લાંચિયા અધિકારીને લાંચ આપીને પોતાનું કામ કરાવવાના બદલે લાંચ માંગ્યાની ફરિયાદ કરવામાં આવશે તો લાંચ માંગનાર જેલમાં જશે અને ફરિયાદીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. આ માટે વોટસએપ ફોન નં.૯૯૭૮૯ ૪૨૫૦૧, ૦૭૯-૨૩૨૩૪૩૦૧ ઉપર સંપર્ક કરી શકાશે.
જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું કે વેપારી-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ માટે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અગ્રેસર રહેશે. જો અધિકારીઓ દ્વારા પરેશાન કરવામાં આવે તો અમારો સંપર્ક કરી શકાશે.
