બિશ્નોઇ ગેંગે કોમેડિયન મુન્નવર ફારૂકીની દિલ્હીમાં હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું
મુંબઈમાં બાબા સિદિકીની હત્યાની જવાબદારી લેનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન મુન્નવર ફારૂકીની પણ હત્યા કરવાનું કાવતરું રચાયા હોવાનો પર્દાફાશ થયો છે.ગયા મહિને મુન્નવર દિલ્હીમાં એક કાર્યક્રમ આપવા ગયો હતો ત્યારે તેને પતાવી દેવા લોરેન્સ બિશ્નોઇના લંડન સ્થિત સાથી રોહિત ગોદારાએ બે હિટમેનને સોપારી આપી હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત મહિને દિલ્હીમાં નાદિર શાહ નામના જીમ માલિકની હત્યા પાછળ રોહિત ગોદારા હોવાનું ખુલ્યું હતું.તે કેસમાં પોલીસે દસ શખ્સોની અટકાયત કરી હતી. એ પૈકીના કેટલાક શખ્સોએ દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલી એક પ્રખ્યાત હોટેલ આસપાસ રેકી કરી હોવાનું અને એક મુસ્લિમ કોમેડિયન નિશાન ઉપર હોવાનું કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસમાં જાણવા મળ્યું હતું.
કેન્દ્રીય એજન્સી એ અંગે દિલ્હી પોલીસને જાણ કર્યા બાદ દિલ્હી પોલીસે તપાસ કરતા એક હોટેલમાં મુન્નવર ફારૂકી ઉતર્યો હોવાનું ખૂલ્યું હતું. ફારુકી દિલ્હી ખાતે યોજાયેલી એન્ટરટેનર્સ ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહ્યો હોવાની જાણ થતાં પોલીસે સ્ટેડિયમ પર જઈ મુન્નવર ફારૂકીને ખતરા અંગે જાણ કરી હતી.બાદમાં તેને પોલીસના રક્ષણ કવચ હેઠળ મુંબઈ મોકલી અપાયો હતો અને મુંબઈ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર એ ઘટનાના થોડા દિવસો પહેલા જ જામીન ઉપર છૂટેલા બે શખ્સો એ જ સમયે મુન્નવરની હોટેલની નજીકમાં જ આવેલી હોટેલમાં ઉતર્યા હતા.પોલીસ પૂછપરછમાં એ શખ્સોએ તેમને મુન્નવરની હત્યા માટે રોહિત ગોદારાએ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.જો કે એ અંગે ફરિયાદ ન નોંધાઈ હોવાથી પોલીસે બે પૈકીના એક શખ્સની હરિયાણાના એક જૂના કેસમાં ધરપકડ કરી હતી.