શ્વાને પકડ્યો ૧૨ કિલો ગાંજો !
ધોરાજીમાં એસઓજી (ગ્રામ્ય)નો દરોડો: શાહબાઝ મકવાણાએ બાથરૂમમાં છૂપાવેલા ગાંજા સુધી પોલીસનો કેપ્ટો' શ્વાન પહોંચી ગયો
થોડા દિવસ પહેલાં જ સરકાર તરફથી શ્વાનની ફાળવણી કરાઈ'તી
સામાન્ય રીતે ચરસ-ગાંજો, ડ્રગ્સ, દારૂ સહિતના નશીલા દ્રવ્યો-પીણાંને પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે. જો કે પોલીસની એક બાદ એક ધોંસને કારણે નશાના સોદાગરો પણ ચબરાક બની ગયા હોય તેવી રીતે ચરસ-ગાંજો, ડ્રગ્સ સહિતના દ્રવ્યો વિચિત્ર જગ્યાએ છુપાવી દેતા હોય છે. પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવે ત્યારે ઘરની તલાશી લેવામાં આવતી હોય છે પરંતુ જથ્થો હાથ લાગતો ન હોય ખાલી હાથે પરત ફરવું પડતું હોય છે. આવો જ એક દરોડો એસઓજી (ગ્રામ્ય)એ ધોરાજીમાં પાડ્યો હતો.
શરૂઆતમાં તો પોલીસને કશું હાથ લાગ્યું ન્હોતું પરંતુ પોલીસ સાથે રહેલો એક શ્વાન ગાંજો જ્યાં છુપાવાયો હતો તે બાથરૂમ સુધી પહોંચી જતાં ત્યાંથી ૧૨ કિલો ગાંજાનો જથ્થો હાથ લાગી ગયો હતો. ગ્રામ્ય એસઓજી પીએસઆઈ ભાનુભાઈ મીયાત્રા સહિતના સ્ટાફે ધોરાજીમાં શાહબાઝ દિલુભાઈ મકવાણાને ત્યાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ તેમની સાથે
કેપ્ટો’ નામનો ડોગ હતો જેની સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ ફાળવણી કરવામાં આવી હતી. આ ડોગ માદક પદાર્થો સુધી પહોંચવામાં માહેર છે કેમ કે તેને એ પ્રકારની ટે્રનિંગ આપવામાં આવી હતી. પોલીસે આખું ઘર ફંફોસી નાખ્યા બાદ કશું હાથ ન લાગ્યું હતું. જો કે કેપ્ટો ડોગને બાથરૂમ તરફથી ગાંજાની ગંધ આવતી હોય તે હાજર સ્ટાફને ત્યાં સુધી દોરી ગયો હતો. જેવી પોલીસ બાથરૂમમાં પહોંચી કે ત્યાંથી એક-બે નહીં બલ્કે ૧૨ કિલો ગાંજો મળી આવતાં દરોડો સફળ નિવડ્યો હતો.