રાજકોટ : પિતાએ મોડે સુધી ગરબા રમવાની ના પાડતા પુત્રએ કર્યો આપઘાત ; ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સગર્ભા પત્ની વિધવા બની
શહેરમાં ગરબા રમવા જવા બાબતે વધુ એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. જામનગર રોડ પર આવેલી વાલ્મીકીવાડીમાં રહેતા યુવકને તેના પિતાએ રાત્રિના મોડે સુધી ગરબે રમવા જવાની ના પાડી ઠપકો આપ્યો હતો.જેનું તેને માઠું લગાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામનગર રોડ ઉપર આવેલી વાલ્મિકીવાડી આવાસ ક્વાર્ટરમાં રહેતો વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)ના યુવકે રૂમમાં લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.અને હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને તપાસ મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસે તપાસ કરતા જણાવા મળ્યું હતું કે,આપઘાત કરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો. યુવકના છ મહિના પહેલા જ જામનગરની યુવતી સાથે લગ્ન થયા હતા અને હાલ પત્ની સગર્ભા છે. પરિવારજનોના કહેવા મુજબ નવરાત્રી ચાલતી હોઈ અને વિનયને મોડે સુધી ગરબામાંથી રમીને આવતો હોઈ જેથી પિતા ભીખુભાઇએ તેને વહેલા ઘરે આવવા અને મોડે સુધી ન રમવા માટેનો ઠપકો આપતા તે વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે,ચાર દિવસ પહેલા જ હરિધવા રોડ પર રહેતી કોલેજિયન યુવતીની તબિયત બરાબર ન હોઇ અને સ્વસ્થ થયા બાદ પિતાએ ગરબા રમવા જવાનું કહેતા તેણીને આ વાતનું લાગી આવવાથી આપઘાત કરી લીધો હતો.