ઇઝરાયેલ: બદલો લેશું જ | ઈરાન : તો કચડી નાખીશું… મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ હવે અનિવાર્ય, અમેરિકાએ આપી ગંભીર પરિણામોની ધમકી
મંગળવારે મોડી સાંજે ઈરાને ઇઝરાયેલ ઉપર કરેલા મિસાઈલ એટેક બાદ મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાના યુદ્ધનો ખતરો તોળાઇ રહ્યો છે. આ હુમલા બાદ ઇઝરાયેલા વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન જિંદગીભર યાદ રાખે તેવો બદલો લેવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ઇઝરાયેલ ઉપર હુમલો કરીને ઇરાને મોટામાં મોટી ભૂલ કરી છે અને તેના પરિણામ પણ ભોગવવા પડશે. બીજી તરફ ઈરાને પોતાના તરફથી કાર્યવાહી હાલ પૂરતી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ જો ઇઝરાયેલ વળતો હુમલો કરશે તો તેને કચડી નાખવાનો હુંકાર કર્યો હતો.
ઈરાને આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ ઇઝરાયેલ ઉપર મિસાઇલ, ડ્રોન અને રોકેટ વડે હુમલા કર્યા હતા.એ સમયે ઇઝરાયેલ અમેરિકા, ફ્રાંસ, જોર્ડન અને યુકે એ સંયુક્ત કાર્યવાહી દ્વારા મોટાભાગના મિસાઈલ અને રોકેટને નિષ્ફળ બનાવ્યા હતા. જો કે મંગળવારે થયેલા હુમલા દરમિયાન ઇઝરાયેલની આયર્ન ડ્રોન અને એરો ડિફેન્સ સિસ્ટમ કાંઈક અંશે નાકામ રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. ઇરાને છોડેલી અનેક મિસાઈલો તેલ અવીવ મધ્ય તેમજ દક્ષિણ ઇઝરાયેલના નગરો પર ત્રાટકી હોવાનું માનવામાં આવે છે.
આ હુમલા બાદ અમેરિકાએ પણ પ્રત્યક્ષ રીતે લશ્કરી કાર્યવાહીમાં ઝંપલાવ્યું હતું. પ્રમુખ જો બઈડેને ઇરાની મિસાઈલો ને તોડી પાડવા મધ્ય પૂર્વ સ્થિત અમેરિકી દળો ને આદેશ કર્યો હતો. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જેક સુલીવાનના જણાવ્યા અનુસાર અમેરિકી ડિસ્ટ્રોયરે ઈરાનની અનેક મિસાઈલોને અધવચ્ચે જ આંતરી અને તોડી પાડી હતી.
દરમિયાન બુધવારે અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ઇઝરાયેલના રક્ષા મંત્રી સાથે ફોન ઉપર વાત કરી અમેરિકા ઇઝરાયેલ ની પડખે ઊભું હોવાની બાહેંધરી આપી હતી અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી આપી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના વડા માઈકલ એરીઝ કુરીલાએ પણ ઇઝરાયેલ આર્મીના વડા જનરલ હેરીઝ હાલેવી સાથે
હુમલા બાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
યોગ્ય સમયે કાર્યવાહી કરશું:ઇઝરાયેલ અમે પણ તૈયાર જ બેઠા છીએ: ઈરાન
ઇઝરાયેલના સેના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ઇરાને હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે. અમે અમારું રક્ષણ કરવા માટે અને વળતો હુમલો કરવા માટે સક્ષમ છીએ.અમારી પાસે એ અંગે પ્લાન છે. ઈરાન બચી શકશે નહીં. અમે યોગ્ય સમય અને યોગ્ય સ્થળે કાર્યવાહી કરીશું. બીજી તરફ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડના પ્રવક્તા કહ્યું કે મંગળવારે કરેલો હુમલો એ તો આછેરી ઝલક હતી. ઇઝરાયેલ જો બદલો લેવાની કોશિશ કરશે તો અમે તેને કચડી નાખીશું. તેમણે કહ્યું કે ઈરાને યુદ્ધ ટાળવા માટે ઘણો સંયમ રાખ્યો પણ જો ઇઝરાયેલ ઈરાનને છંછેડવાની કોશિશ કરશે તો અમે પણ લડવા માટે તૈયાર જ બેઠા છીએ.