NAVRATRI 2024 : ગરબો એટલે શું ?? ગરબામાં કેટલા છિદ્ર આવે છે ? જાણો છિદ્ર અને બ્રહ્માંડ વચ્ચેના સબંધ વિશે
માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી. સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું અનેરું મહત્વ છે અહી 9 દિવસ મા જગદંબાની પૂજા કરવામાં આવે છે તેમજ ગરબીનું આયોજન કરીને સૌ કોઈ ગરબા રમે છે. આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે એ આપણે લગભગ બધાં જાણીએ છીએ.આપણે ત્યાં ‘ગરબો’ શબ્દ પ્રચલિત છે જેનો અર્થ શું છે તેના વિશે ભાગ્યે જ કોઈમને ખ્યાલ હશે ત્યારે ચાલો આજે જાણીએ તેના વિશે.
ગરબો શબ્દનો અર્થ અને ઇતિહાસ
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે:
અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે.
નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.
’ગરબો’ શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે.
માતાજીનો ગરબો અને છિદ્રનું મહત્વ
નવરાત્રીમાં પ્રાચિન ગરબીમાં ‘મા ના ગરબા’નું મહત્વ વધારે હોય છે. નવરાત્રીના નવ દિવસ અખંડ દિવો ગરબો અનેરૂ મહત્વ ધરાવે છે. ત્યારે ગરબા વિશે ઘણી વાતો જાણવા જેવી છે. ‘ગરબો’ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં 27 છિદ્ર હોય છે. જેમાં 9 છિદ્રની ત્રણ લાઈન એટલે કુલ 27 છિદ્ર થાય જે 27 નક્ષત્ર સાથે સામ્યતા ધરાવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેને ચાર વડે ગુણવાથી 108નો અંક મળે છે. ધાર્મિકતા અને આપણી પ્રાચિન પરંપરા કે પૂજન-અર્ચનમાં મહત્વ ધરાવે છે.
નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની પરંપરા છે. તે ઉપરથી દેવની સ્તુતી અને પરાક્રમનાં નવરાત્રમાં ગવાતાં કાવ્યોને પણ ‘ગરબા’ની સંજ્ઞા મળી હોય તેમ જણાય છે. પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો. એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રકટી. નવરાત્રીમાં મા ના ગરબાને મધ્યમાં રાત્રીને 108 વખત ગરબી રમવાથી કે ગોળ ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આજ કારણે આપણી આ ઉત્સવની પરંપરામાં ગરબા કે રાસ રમવાનું મહત્વ છે.