2.25 કરોડમાં ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટર ! અમદાવાદ પોલીસે ઠગ ટોળકી ઝડપી
સરકારી નોકરી આપવાની લાલચ ઉપરાંત હથિયાર પરવાનાના નામે રૂપિયા 3.44 કરોડ ચાઉં કરી જનાર વકીલ સહિતની ચંડાળ ચોકડી પકડાઈ
જીપીએસસીના સિક્કા, બનાવટી નિમણુંક પત્ર, આઈકાર્ડ લેટરપેડ સહિતનું થોકબંધ સાહિત્ય અને કાર સહિતનો મુદામાલ કબ્જે કરાયો
ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે રૂપિયા 2.25 કરોડમાં ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટરની નિમણુંક કરાવી દેવાને નામે એક બે નહીં પણ પાંચ-પાંચ લોકોને શીશામાં ઉતારી રૂપિયા 3 કરોડ 44 લાખ 99 હજાર હડપ કરી જનાર વકીલ સહિતની ચંડાળ ચોકડીને ઝડપી લઈ બનાવટી લેટરપેડ, સિક્કા, બનાવટી નિમણૂકપત્રો, કાર તેમજ મોબાઈલ અને એપલ મેગબુક સહિતનો મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી રાજ્યમાં અન્ય કોઈ જિલ્લાના લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.
નકલી જીપીએસસી અધિકારી બની સવા બે કરોડમાં ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટરની નિમણુંક કરાવી દેવાના આ ચોંકાવનાર છેતરપિંડી કેસની વિગત જોઈએ તો અમદાવાદના નિકોલમાં રહેતા યોગેશકુમાર ચંદુલાલ પટેલ ઉ.37 નામના યુવાને બી.કોમ. એમ.કોમ, એલએલબી અને સીએ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ પોતાની કન્સલ્ટિંગ ઓફિસ ચલાવતા હતા જે દરમિયાન તેમના મિત્ર એવા આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ મારફતે મારફતે આરોપી જલદીપ બી.ટેલર સાથે મુલાકાત થતા આરોપી જલદીપે પોતે મોટા-મોટા અધિકારીઓના સીધા સંપર્કમાં હોવાનું અને પોતે સીધી ભરતી કરાવી આપતો હોવાનું જણાવી યોગેશભાઈને તમે આટલું ભણ્યા છો તો અમદાવાદમાં એક ડેપ્યુટી કલેકટરની જગ્યા ખાલી છે 2.25 કરોડ રૂપિયા આપો તો તમારી સીધી ભરતી કરાવી આપું કહી યોગેશભાઈને લાલચના સાણસામાં ફસાવી લીધા હતા અને 5 લાખનું ટોકન મેળવી ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટરની ભરતી માટે કામગીરી શરૂ કર્યાનું જણાવી કટકે કટકે રૂપિયા મેળવી લઈ ગાંધીનગર બોલાવી જીપીએસસીનો બોગસ નિમણુંક પત્ર આપ્યો હતો.
ફરિયાદી યોગેશકુમાર ચંદુલાલ પટેલની જેમ જ આરોપીઓએ યોગેશભાઈના મિત્ર વિજયભાઈ ઠક્કર, અંકિત નટવરલાલ પટેલ, પ્રદીપ શર્મા, અતુલ જીવરાજભાઈ પટેલ અને જીગર રાજેન્દ્રભાઇ પટેલ પાસેથી પણ નોકરીની લાલચ આપવાની સાથે હથિયાર પરવાના માટે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળેથી આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ, વકીલ જલદીપ બી.ટેલર, વકીલ અંકિત ત્રિભોવન પંડયા અને આરોપી હિતેશ મહેશભાઈ સેને કુલ રૂપિયા 3 કરોડ 44 લાખ 99 હજાર મેળવી લઈ બાદમાં નકલી નિમણૂકપત્ર અને નકલી સિક્કા સાથેના પત્રો બતાવી છેતરપિંડી કરતા સમગ્ર મામલે અમદાવાદ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ કરતા ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લઈ નકલી સિક્કા, ઓળખપત્ર, લેટરપેડ, બે કાર, એપલ મેગબુક, સાત મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કરી અન્ય કેટલી છેતરપિંડીઓ આચરી છે તે અંગેના અંકોડા મેળવાઈ રહ્યા છે.
ચાર આરોપીઓ 7મી ઓક્ટોબર સુધી રિમાન્ડ ઉપર
અમદાવાદના પાંચ યુવાનોને સરકારી નોકરી તેમજ હથિયાર પરવાના આપવાને નામે રૂપિયા 3.44 કરોડની ઠગાઈ કરનાર આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ, વકીલ જલદીપ બી.ટેલર, વકીલ અંકિત ત્રિભોવન પંડયા અને આરોપી હિતેશ મહેશભાઈ સેનને ડીસીબી પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય આરોપીઓને આગામી તા.7 ઓક્ટોબર સુધી રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.